અમદાવાદ, તા.૨૦
શહેરના બોપલમાં વર્ષો જૂની પાણીની ટાંકી તૂટી પડવાની ઘટના બાદ સફાળા જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં આવેલી તમામ ઓવરહેડ ટાંકીનો સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં ૪૪ ઓવરહેડ ટાંકી જર્જરિત હોવાનો ખુલાસો થતા તેને ઉતારી લેવાની કામગીરીની શરૂઆત કરાઈ છે. ગોતામાં આવેલી છ દાયકા જૂની જર્જરિત ટાંકીને આજે તોડી પડાઈ છે. આજ સવારથી ગોતા ગામની જર્જરિત ટાંકીને જમીનદોસ્ત કરવા માટે જેસીબી મશીન કામે લગાડાયું છે. ત્યારબાદ જોધપુર ગામમાં આવેલી ટાંકી અને બુધવારે ઓગણજ ગામમાં જર્જરિત ટાંકી તોડી પડાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોપલની દુર્ઘટના બાદ શહેરમાં આવેલી કુલ ૧૬૫ ઓવરહેડ ટાંકીનો સર્વે હાથ ધરાયો હતો. આ સર્વે મુજબ કુલ ૪૪ ટાંકી ભયજનક જણાતા તેને લોકોની સલામતી માટે ઉતારી લેવાની દિશામાં તજવીજ હાથ ધરાઇ છે. સૂત્રો મુજબ સૌથી વધુ ૧૪ જર્જરિત ટાંકી ઉત્તર-પશ્ચિમ ઝોનમાં મળી આવી છે. પશ્ચિમ ઝોનમાં ૧૦, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૮, ઉત્તર ઝોનમાં ૩, પૂર્વ ઝોનમાં ૨ અને એક હાઉસિંગ સોસાયટીની મળીને કુલ ૩ અને મધ્યઝોનમાં સૌથી ઓછી એક જર્જરિત ટાંકી છે. આ તમામ ૪૪ જર્જરિત ટાંકી પૈકી મોટા ભાગની જે તે ગ્રામ પંચાયત સમયની હોવાથી આશરે ૨૦થી ૨૫ વર્ષ જૂની છે. એક બે લાખ લિટર પાણીની ક્ષમતા ધરાવતી આ જર્જરિત ટાંકીઓ ગમે ત્યારે ધરાશયી થઇને લોકોના જાનમાલ માટે જોખમી બની શકે તેમ છે. આની સાથે-સાથે ટાંકીને ઉતારાયા બાદ પાણીનો પુરવઠો જાળવી રાખવાની દિશામાં પણ તંત્રએ ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે. કોર્પોરેશન દ્વારા ઓવરહેડ ટાંકીના સર્વેમાં ભલે ૪૪ ટાંકી જર્જરિત મળી આવી હોવાનું બહાર આવ્યું, પરંતુ ટાંકીના આસપાસના વિસ્તારને કોર્ડન કરી લોકોની સુરક્ષાનું ધ્યાન રખાયું નથી તેમજ ચેતવણીના બોર્ડ મૂકી ટાંકીની આસપાસ અવર-જવર કરવી નહીં તેવી સૂચના પણ સ્થાનિક લોકોને આપવામાં તંત્ર હજુ સુધી બેદરકારી દાખવી રહ્યું છે. અમ્યુકો દ્વારા નવી ટાંકીઓના નિર્માણમાં પણ ગુણવત્તાયુકત મટીરિયલ્સ વાપરવામાં આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે તેવી માગણી પણ લોકોમાં ઉઠવા પામી છે.