અમદાવાદ, તા.ર૦
૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા ભારતરત્ન રાજીવ ગાંધીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, ભાઈ-બહેનોને સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી ચાલી રહી છે સાથે સાથે ૨૧મી સદીના સ્વપ્ન દ્રષ્ટા અને યુવાનોના આદર્શ રાજીવ ગાંધીના ૭૫મી જન્મ જયંતીની ઉજવણીની આજથી શરૂઆત થઈ રહી છે. આ બન્ને કાર્યક્રમોને લઈને દેશને સાંપ્રત પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને આપણે જન જન સુધી પહોંચવુ પડશે. દરેક યુવા પેઢીને મહાત્મા ગાંધી અને રાજીવ ગાંધીના વિચારો – દિશાઓથી જોડવા પડશે. આખા વર્ષના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યાં છે. અને રાજીવ ગાંધીના એકે એક કાર્યો, તેમના શાસન કાર્યકાળના નિર્ણયોને લોકો સુધી લઈ જવા માટે આખા ગુજરાતના તમામ તાલુકાઓમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ થઈ રહ્યો છે.
વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજીવ ગાંધીએ આધુનિક ભારતના વિચારનો પાયો હિન્દુસ્તાનમાં નાખ્યો અને તે સંચાર ક્રાંતિથી આજ ભારતમાં એક ગામડામાં ગરીબના ઝૂંપડીએ જન્મતું બાળક મુઠ્ઠીમાં મોબાઈલથી સમગ્ર વિશ્વની સફર કરવા સફળ બન્યો છે. જે રાજીવ ગાંધીના વિચારથી પરિવર્તન શક્ય બન્યું છે. પંચાયતના પાયાથી સત્તાના વિકેન્દ્રીકરણથી ગામડાના માણસના હાથમાં ગામની સત્તા આપવાનું અને ૧૮ વર્ષના યુવાનોને મતાધિકાર આપવાનો શ્રેય જો કોઈને જતા હોય તો રાજીવ ગાંધીને જાય છે.
પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, રાજીવ ગાંધીએ દેશના નાગરિકોના દિલમાં રાજ કર્યું. વર્તમાન શાસક એવા છે તે પ્રજાના દિલમાં ક્યાય નહી રહીને એમને જીતવા માંગતા નથી પણ એક રાક્ષસી સરકારી તાકાતથી પ્રજાના અવાજને કચડી દઈને હિન્દુસ્તાન જે ૭૦-૭૫ વર્ષની અંદર જે મુલ્યો પ્રસ્થાપિત કર્યા છે તેને ઉલટવાનું કામ કર્યું છે.
પૂર્વ પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ, રાજ્યસભાના સાંસદ મધુસુદન મિસ્ત્રી, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા નવિનચંદ્ર રવાણી, બાલુભાઈ પટેલ, મૌલિન વૈષ્ણવ, ડૉ. વિજય દવે, ડૉ. મનિષ દોશી, ઉમાકાંત માંકડ અને યુવા નેતા હાર્દિક પટેલ સહિત એન.એસ.યુ.આઈ., યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળના સૈનિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાજીવજીના કાર્યોને યાદ કર્યા હતા.
1.5