અમદાવાદ, તા.૨૧
ગુજરાતમાં ચકચારી બિટકોઈન કૌભાંડનું ભૂત ફરી ધૂણવા લાગ્યું છે. કરોડોના બિટકોઈન કૌભાંડના મુખ્ય સૂત્રધાર શૈલેષ ભટ્ટની સાળીએ આ મામલે ચોંકાવનારા ખુલાસા મીડિયા સમક્ષ કર્યા છે. શૈલેષ ભટ્ટે જે મોબાઈલમાં બિટકોઈન છુપાવી રહ્યા હતા, તે મોબાઈલ તેની સાળીને આપીને તેમાં તેની નિર્દોષના પુરાવા હોવાનું કહીને તેનો દુરૂપયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે, તેમજ શૈલેષ ભટ્ટના માણસો તેને મારવાના પ્રયાસો કરી રહ્યા છે. ઉપરાંત સમગ્ર બિટકોઈન કૌભાંડમાં દુબઈ કનેક્શન હોવાનું પણ બહાર આવ્યું છે.
ગુજરાતભરમાં ગાજેલા બિટકોઈન કૌભાંડમાં લાંબા સમય બાદ નિશા ગોંડલિયા નામની એક મહિલા સામે આવી છે. આ મહિલાએ બિટકોઈન કૌંભાડના તાર દુબઈ સુધી જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. માત્ર એટલું જ નહીં, આ મહિલા બિટકોઈનમાં સંડોવાયેલા શૈલેષ ભટ્ટની સગી સાળી છે. નિશા મુજબ, તેણીને શૈલેષ ભટ્ટે આપેલા મોબાઈલમાં રૂ.૮૪ કરોડના ૬૯૯ બિટકોઈન હતા. જે બાદમાં જયેશ પટેલે તેની પાસેથી લઈ લીધો હતો. મને કેટલાક માણસો બદનામ કરવાનો પ્રયાસ કરશે, તેવા ડરથી એક સમયે મેં આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.
નિશા ગોંડલિયાએ આજે અમદાવાદમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું એક સમયે તેમને(શૈલેષ ભટ્ટ) રાખડી બાંધતી હતી. પરંતુ હવે તેના માણસો મને મારાવાના પ્રયાસો કરી રહ્યા છે. મને આપેલા મોબાઇલમાં શૈલેષ ભટ્ટે જ ૬૯૯ બિટકોઇન છુપાવી રાખ્યા હતા. આ મોબાઈલમાં મારા બચવાના પુરાવા છે કહી મારો ઉપયોગ કર્યો છે. આ મામલે મેં સીઆઇડી ક્રાઇમના અધિકારી તેમજ એટીએસના અધિકારીઓ સમક્ષ સમગ્ર હકીકત રજૂ કરી છે. નિશાએ આગળ કહ્યું કરોડો રૂપિયાના બિટકોઇન કૌભાંડમાં સંડોવાયેલો શૈલેષ ભટ્ટ છેલ્લા કેટલાક સમયથી પોલીસ પકડથી દૂર છે. શૈલેષભટ્ટના બે નંબરના ધંધાઓ ત્રણથી ચાર લોકો સંભાળતા હતા. આ કૌભાંડમાં લોકોને બે નંબરના રૂપિયાનું બિટકોઇનમાં રોકાણ કરાવીને કેટલાક મોટા માથાઓ ભૂગર્ભમાં જતા રહ્યાં હતાં. બીજી તરફ આ બિટકોઇનની ડીટેઇલ તે ઇન્વેસ્ટ કરાવનારા લોકો પાસે જ હોવાથી હાલ મોટા ભાગના બિટકોઇનનો હિસાબ તેમના ગયા બાદ ગાયબ થઇ ગયો છે. નિશા મુજબ, તેના શૈલેષ ભટ્ટ સાથે પારીવારિક સબંધો છે અને તેમની બહેન શૈલેષ ભટ્ટની પત્ની છે. શૈલેષભટ્ટ મને અમદાવાદમાં પારીવારિક સભ્યોની સાથે મળ્યા હતા. તેમને મારા પર ખૂબ વિશ્વાસ હોવાથી તેમણે મને વાત કરી કે હું બિટકોઇન કૌભાંડમાં નિર્દોષ છું તને મારા નિર્દોષ હોવાનો પુરાવો આપુ છું તું તે સાચવીને રાખજે. આમ કહીને શૈલેષભટ્ટે મને એક ફોન આપી દીધો હતો. ત્યાર બાદ શૈલેષભટ્ટનુ નામ બિટકોઈન કૌભાંડમાં ખુલ્યું હતું. આ દરમિયાન નિશાને એક દિવસ વોટ્સએપ પર એક મસેજ આવ્યો. આ મેસેજ જયેશ પટેલનો હતો. તેણે કહ્યું કે તમે ક્યાં છો હું શૈલેષભટ્ટને મદદ કરવા માંગુ છું. પરંતુ હું આ વ્યક્તિથી અજાણ હોવાથી આ વાત પર બહુ ધ્યાન આપ્યું નહીં. ત્યાર બાદ પૂર્વી વ્યાસ નામની એક મહિલાએ મને ફોન કર્યો અને કહ્યું કે શૈલેષભટ્ટનો ફોન ક્યાં છે જયેશભાઇના સારા કોન્ટેક્ટ છે અને તે તેને મદદ કરવા માંગે છે. હું પૂર્વી વ્યાસને જાણતી હતી. ત્યાર બાદ હું દુબઇ ગઈ અને ત્યાં જયેશ પટેલને મળી હતી. જયેશ પટેલે મારા ધ્યાન બહાર શૈલેષ ભટ્ટનો ફોન લઈ લીધો અને તે ફોનમાં ૬૯૯ બિટકોઈન હતા. આ અંગે મને ખબર પડી ગઈ હતી. દુબઈમાં જયેશ પટેલે મારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જે સંદર્ભે મેં દુબઈમાં ફરિયાદ કરી છે.