(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
સુરત જિલ્લાના અંતરિયાળ ગ્રામ વિસ્તારોમાં વિવિધ સરકારી યોજનાઓનું અમલીકરણ તો કરવામાં આવી રહ્યું છે. પરંતુ યોજનાઓના જમીનની સ્તરે પારદર્શકતાના સવાલો ઊભા થતા હોય છે.રાજ્ય સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થિનીઓને શિષ્યવૃત્તિના ભાગરૂપે સાયકલો ફાળવવામાં આવેલ છે. ગત વર્ષે સમાજ કલ્યાણ વિભાગે સુરત જિલ્લામાં ૩,૬૦૦ સાયકલો ફાળવી હતી. આ વર્ષે ૩,૮૦૦ સાયકલો ફાળવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે પરંતુ કમનસીબીની વાત તો એ છે કે, શિક્ષણકાર્યના ચાર માસ વિતવા છતાં હજુ સુધી એક પણ સાઈકલ ફાળવવામાં આવી ન હોવાનો વેધક સવાલ જિલ્લાના નાગરિકો દ્વારા કરવામાં આવ્યો છે.
અંતરંગ સૂત્રો પ્રાપ્ત વિગતો મુજબ સુરત જિલ્લાના નવ તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી સ્કૂલમાં ભણતા બાળકોને પગપાળા ચાલીને અભ્યાસ કરવા જવું પડે છે. આ ગરીબોના બાળકોને મુશ્કેલી ન વેઠવી પડે એ માટે સરકારની સરસ્વતી સાધના યોજના અમલીકરણમાં છે. દરેક વિદ્યાર્થિની પાસે સાયકલ હોવી જોઈએ એવો સરકાર દ્વારા લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. સુરત જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી લાડનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૯માં ૩,૮૦૦ સાયકલો વિદ્યાર્થિર્નીઓને આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સરકારે ગ્રીમકો કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. પરંતુ ચાર મહિના શિક્ષણકાર્યના વિતવા છતાં એક પણ વિદ્યાર્થિનીઓને સાઈકલ મળી નથી. યોજનાના અમલીકરણના અધિકારીક સૂત્રો મુજબ હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ સાથે જોડવામાં આવી છે અને હવે ઓનલાઈન કરવામાં આવ્યું છે. સદસ્ય દર્શન નાયકે જણાવ્યું હતું કે, સરકાર યોજનાઓ બનાવે છે પરંતુ જમીની સ્તર સુધી યોજનાઓનું અમલીકરણ થતું નથી એવી જ રીતે આ યોજનામાં પણ ઉપર કક્ષાએથી જ સાઈકલ ફાળવવામાં આવી નથી ધોમધખતા તાપમાં કે ચોમાસાના કાદવ-કીચડમાં પગ રાખીને વિદ્યાર્થિનીઓને જ્ઞાનના પાઠ ભણવા જવું પડે છે. અત્રે નોંધનીય છે કે, સરસ્વતી સાધના યોજના અંતર્ગત આંકડાની સામે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિપરીત પરિસ્થિતિ દૃશ્યમાન થઈ રહી છે. ૩,૮૦૦ના લક્ષ્યાંક સામે સુરત જિલ્લામાં એક પણ સાયકલ ફાળવાઈ નથી. જો કે, બે દિવસમાં સાયકલ ફાળવવામાં આવશે નો સધિયારો સમાજ કલ્યાણ અધિકારીએ આપ્યો હતો.
સાયકલના વિતરણમાં પણ ભગવાકરણ
સમાજ કલ્યાણ ખાતાની યોજના સરસ્વતી સાધના અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થિનીઓને સાયકલ આપવામાં આવે છે. જિલ્લા પંચાયતના સદસ્ય દર્શન નાયકે જણાવ્યું કે, સાયકલ મુદ્દે પણ ભ્રષ્ટાચારની સાથે ભગવાકરણની ગંધ આવી રહી છે. સૂત્રોના માનવા મુજબ બાળકોને આપવામાં આવનાર સાયકલો ભગવા કલરની રાખવી એવો કંપનીને સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે. એટલે કે યોજનાના અમલીકરણમાં પણ રાજકીય દખલગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.