લંડન,તા.૧૦
ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર જેફ્રી બોયકોટ અને એન્ડ્રૂ સ્ટોર્સને નાઇટહુડની ઉપાધિથી સમ્માનિત કરવામાં આવ્યા છે. સોમવારે બંને ક્રિકેટર્સને ’સર’ની ઉપાધિ આપવામાં આવી હતી. બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી થેરેસા મેએ રાજીનામુ આપતી વખતે બંનેને નાઇટહૂડથી સમ્માનિત કરવાનું એલાન કર્યું હતું. સ્ટ્રોસે ૨૦૦૪થી ૨૦૧૨ દરમિયાન ૧૦૦ ટેસ્ટમાં ૭,૦૩૭ રન કર્યા હતા. તે ૨૦૦૯ અને ૨૦૧૦-૧૧માં એશિઝ જીતનાર ઇંગ્લિશ ટીમનો કપ્તાન હતો. સ્ટ્રોસ માઈક ગેટિંગ પછી (૧૯૮૬-૮૭) પછી ઓસ્ટ્રેલિયામાં એશિઝ જીતનાર ઇંગ્લેનનો બીજો કેપ્ટન છે.
સ્ટ્રોસ ૨૦૧૫થી ૨૦૧૮ સુધી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો ડાયરેક્ટર હતો. તેણે ૨૦૧૫ના વર્લ્ડ કપ પછી ઓઇન મોર્ગનને કપ્તાન તરીકે જાળવી રાખવામાં આવે તેવો મત રજૂ કર્યો હતો. તે પછી સ્ટ્રોસ અને મોર્ગને વર્લ્ડ કપ માટે બનાવી હતી અને આ વર્ષે ઇંગ્લેન્ડ પહેલી વાર કપ જીત્યું હતું.
બીજી તરફ, બોયકોટને ઇંગ્લેન્ડના શ્રેષ્ઠ ઓપનર્સમાંથી એક માનવામાં આવે છે. તેમણે ૧૯૬૪થી ૧૯૮૨ સુધી ૪૭.૭૨ની એવરેજથી ૮,૧૧૪ રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના પ્રમુખ હેરિસને બોયકોટના વખાણ કરતા કહ્યું કે, બોયકોટને ટીમના લાંબા કરિયર અને રમત પ્રતિ સમપર્ણ માટે સમ્માનિત કરવામાં આવે છે. બોયકોટ પ્રધાનમંત્રી થેરેસા મેના ફેવરિટ ક્રિકેટર હતા. થેરેસાએ ઘણી વખત તેમના વખાણ કર્યા છે.