(એજન્સી) લખનૌ,તા.૨૮
ઉત્તર પ્રદેશની હમીરપુર બેઠકની પેટાચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ત્રીજા ક્રમે આવતાં ઉશ્કેરાયેલા બસપા પ્રમુખ માયાવતીએ ફરી એકવાર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને જવાબદાર ગણાવ્યા હતા. પોતાના કાર્યકરોને સંબોધતાં ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું કે ઇવીએમ સદા ગોલમાલ કરતા રહ્યા છે. હમીરપુરના પરિણામથી હતાશ થવાની જરૂર નથી. આ તો પેટાચૂંટણી હતી. એની અસર રાજ્ય કે રાષ્ટ્ર પર પડવાની નથી.
માયાવતીએ ટ્વીટર પર મૂકેલા સંદેશામાં લખ્યું કે ભાજપે ઇવીએમ દ્વારા ગોલમાલ કરી હતી. ઉપરાંત ભારે વરસાદના પગલે મતદારો ઘરની બહાર નીકળ્યા નહોતા. એની અસર હમીરપુર બેઠકની પેટાચૂંટણીમાં દેખાઇ આવ્યા હતા.
મૂળ તો ભાજપની નિયત ખોટી છે નહીંતર બારેબાર બેઠકની પેટાચૂંટણી એક સાથે કેમ ન કરાવી. જેટલી બેઠકો ખાલી હતી એ બધાંની પેટાચૂંટણી સાથે કરાવી હોત તો ઓછા ખર્ચે કામ થઇ ગયું હોત. પરંતુ ભાજપની નિયતમાં ખોટ છે.
માયાવતીએ એવો આક્ષેપ કર્યો હતો કે હમીરપુર બેઠકના પરિણામ દ્વારા ભાજપ અન્ય બેઠકોની પેટાચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા માગતો હતો એટલે આ ગોલમાલ થઇ. બાકીની બેઠકોની પેટાચૂંટણીમાં બસપા ભાજપને જડબાતોડ જવાબ આપશે.