(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૫
જૈન દેરાસરમાં પુજારી તરીકે રખાયા બાદ નક્કી થયેલ ડીલ મુજબ નાણાં ન મળતા પૂર્વ પુજારી અને તેના સાગરીતોએ હાલનાં પુુજારીનાં ભાઇનું અપહરણ કર્યું હતું. અપહ્યુતના ભાઇને ફોન કરીને રૂા.૧ લાખની માંગણી કરી હતી. આ બનાવમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં ચાર અપહરણકારોને ઝડપી પાડી અપહ્યુતને છોડાવ્યો હતો.
નવાપુરા પોલીસ મથકનાં પી.આઇ.એસ.વી. ચૌધરીએ જણાવ્યું હતું કે, આર.વી.દેસાઇ રોડ પર આવેલ. જૈન દેરાસરમાં દિપેશ ફોગટભાઇ બારીયા (રહે. તાડીયા ગામ, તા.હાલોલ, પંચમહાલ.) સેવાની પુજાનું કામ કરતો હતો. દિપેશ દારૂ પીતો હોવાથી ટ્રસ્ટીઓએ તેને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. ત્યારબાદ દિપેશે તેના જ ગામનાં અશોક પરમારને જૈન દેરાસરમાં નોકરી રખાવ્યો હતો. નોકરી અપાવવા માટે રૂા.૩૫ હજારનું ડિલ કર્યું હતું. ડિલ મુજબ અશોક પરમારને નાણાં ન આપતા દિપેશ રોષે ભરાયો હતો. દરમ્યાન દિપેશે તેના સાગરીતોની મદદ લઇ ગુરૂવારની બપોરે અશોકના ભાઇ કલ્પેશ પરમારનું રીક્ષામાં અપહરણ કર્યું હતું. વાડી રામનાથ સ્મશાન પાસેના ઘરમાં ગોદી રાખી અશોકને ફોન કરીને તારો ભાઇ અશોક અમારા કબ્જામાં છે. રૂા.૧ લાખ આપીને છોડાવી જા, નહીં તો તેને મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ અપહ્યુતનાં ભાભી પ્રેમિલાબેને નવાપુરા પોલીસને કરતાં પો.ઇ.ના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમોએ વિવિધ સ્થળોએ તપાસ શરૂ કરી હતી. અપહરણના ગુનામાં સંડોવાયેલ દિપેશ તેમજ તેના અન્ય ૩ સાગરીત જીતેન્દ્ર પુરણ કહાર, રાકેશ નારણભાઇ સોલંકી અને શ્યામ દશરથભાઇ કહારની ધરપકડ કરી અશોકને અપહરણકારોનાં ચુંગાલમાંથી મુકત કરાવ્યો હતો. આ બનાવ અંગે નવાપુરા પોલીસે અપહરણ કરનાર ચારેય જણાંની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.