અમરેલી, તા.૧૬
રાજુલા તાલુકાના કુંભારીયા ગામે યુવાનની હત્યા કરી લાશ કુવામાં નાખી દેવાની ઘટનામાં અમરેલી એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખેલ હતો મરનાર યુવાનને તેના મિત્રની પત્ની સાથે પ્રેમ સબન્ધ હોઈ જેની જાણ તેના મિત્રને થઇ જતા તેનું કાસળ કાઢી નાખવા મિત્રની મદદથી દારૂ પીવડાવી બાદમાં લાકડાના ધોકા વડે હુમલો કરી હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હોવાનું પકડાયેલ આરોપીઓએ પોલીસને જણાવેલ હતું.
રાજુલા તાલુકાના કુંભારીયા ગામના યુવાન ભીખા છનાભાઈ સોલંકી (ઉવ-૨૯)નો ગત તા.૧૦/૧૧ના રોજ લાપતા થયો હતો અને બાદમાં તેની લાશ ગામના જ કૂવામાંથી મળી આવી હતી જે અંગે ડુંગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા અમરેલી એલસીબી પોલીસે ગણતરીની કલાકમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખેલ હતો પોલીસે હત્યામાં ગામનાજ બે શખસોની ધરપકડ કરી હતી જેમાં પોલીસ તપાસમાં હકીકતો ખુલવા જાણવા મળેલ હતું કે, મરનાર યુવાનના મિત્ર પ્રવીણ ભુરાભાઇ ડાબસરાની પત્ની સાથે ભીખા સોલંકીને પ્રેમ સંબંધ હોઈ જેની ખબર પ્રવીણને પડી જતા પ્રવીણ અને ભીખા વચ્ચે ઝઘડો થયેલ અને બાદમાં પ્રવીણે ભીખાનું કાસળ કાઢી નાખવાનું નક્કી કરી પ્રવીણે તેના મિત્ર ભાવેશ નરશીભાઈ બારૈયાની મદદથી પ્લાન ગોઠવી ગત તા.૧૦ના રોજ ભીખાને ભાવેશે વાડીએ બોલાવી દારૂ પીવડાવીને બાદમાં ભાવેશે પ્રવિણને બોલાવી અગાઉથી જ વાડીએ સંતાડીને રાખેલ ધોકા વડે પ્રવીણ તેમજ ભાવેશે ભીખાને માથાના ભાગે હુમલો કરી હત્યા કરી નાખી હતી અને પ્લાસ્ટિકની થેલીમાં લાશ વીંટાળી કુવામાં નાખી દીધી હોવાનું પોલીસને જણાવેલ હતું આમ એલસીબી પોલીસે ગણતરીની કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી નાખેલ હતો.