(એજન્સી) મુંબઇ, તા. ૨૫
એનસીપીના પ્રમુખ શરદ પવારે સોમવારે જણાવ્યું હતું કે, ભાજપ સાથે જવાના અને ડેપ્યુટી મુખ્યમંત્રી બનવાના અજીત પવારના નિર્ણય પાછળ હું ન હતો અને સ્પષ્ટતા કરી કે, તેમની પાર્ટી કોંગ્રેસ અને શિવસેના સાથે છે તથા મહારાષ્ટ્રમાં અમે નવી સરકાર બનાવીશું. સતારા નજીક કરાડમાં પત્રકારોને સંબોધતા એનસીપી પ્રમુખે જણાવ્યું કે, ભાજપ સાથે જવાનો નિર્ણય તેમના ભત્રીજાનો હતો પણ એનસીપીનો નહીં. આ કોઇ પાર્ટીનો નિર્ણય નથી અને અમે તેને સમર્થન કરતા નથી. અજીત પવારના બળવા પાછળ મારો હાથ હતો તેમ કહેવું ખોટું છે. મહારાષ્ટ્રમાં આગામી સરકાર એનસીપી, શિવસેના અને કોંગ્રેસ બનાવશે તેવા સવાલ પર તેમણે કહ્યું કે, તેમાં કોેઇ શંકા નથી કે, રાજ્યમાં અમારી સરકાર બનશે. ત્રણેય પક્ષો વચ્ચે વાતચીત થઇ ચુકી છે અને આ બેઠકમાં અજીત પવાર પણ હાજર હતા. ત્રણેય પાર્ટીઓએ મળીને આ નિર્ણય લીધો છે પણ અજીત પવારે અચાનક શું નક્કી કરી લીધું તે તેમનો અંગત નિર્ણય છે. તેમણે કહ્યું કે, તેમના ભત્રીજા સાથે તેમના કોઇ સંપર્ક નથી. આ પહેલા એવી ચર્ચા ચાલી હતી કે, અજીત પવારના બળવા પાછળ શરદ પવારનો જ હાથ છે. તેમણે કહ્યું કે આ બાબતમાં મારી સંડોવણીનો પ્રશ્ન જ થતો નથી. જો મારો નિર્ણય હોત તો મેં મારા સાથીઓને જણાવ્યું હોત. અજીત પવાર પર ઇડીની તપાસનું દબાણ હોવાના પ્રશ્ન અંગે તેમણે કહ્યું કે આ બાબતે મને કાંઇ ખબર નથી.