(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૪
શહેરમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. જો કે પોલીસના જાહેરનામાનો સરે આમ ભંગ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો હોય તેમ એક પછી એક વીડિયો સામે આવી રહ્યાં છે. ૨૯મી ઓગસ્ટનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે જેમાં અડાજણ વિસ્તારમાં આવેલા ગુજરાત ગેસ સર્કલ પર મોડી રાત્રે ફટાકડા ફોડીને જાહેરમાં બંદૂકમાંથી ફાયરીંગ કરી છરા વડે કેક કાપવામાં આવી હોવાનો વીડિયો સામે આવ્યો છે.રાત્રિના સમયે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. દિવાળીના સમયે પણ પોલીસે ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. ત્યારે આ વાઈરલ થઈ રહેલા વિડીયોમાં મધ્યરાત્રિના સમયે જાહેરમાં ફટાકડા ફોડવામાં આવ્યાં હતાં. સાથે જ કેક છરા વડે કાપીને બંદૂકના નાળચામાંથી ગોળીઓ પણ છોડવામાં આવી હતી. જાહેરમાં ઉભા કરાયેલા ડરના માહોલ અંગે પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે. આ વિડીયોમાં દેખાતો શખ્સ બૂટલેગર હોય એવી ચર્ચાએ વેગ પકડ્યું છે. આમ છેલ્લાં કેટલાંક સમયથી શહેરમાં જાહેર રોડ પર કેક કાપવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. બર્થ ડે ની ઉજવણીમાં છાકટા બનેલા યુવાનો તલવારથી કેક કાપી જાહેરમાં બિયરની રેલમછેલ કરતાં હોવાનું પણ સામે આવ્યું છે. આમ ભુતકાળમાં લગભગ ૧૦ થી વધુ કેક કાપવાના વિડીયો વાયરલ થયા છે. જા કે પોલીસ વાયરલ થયેલા વિડીયોના આધારે જાહેરનામાનો ભંગ કરનાર યુવાનોની ધરપકડ પણ કરી રહી છે. તેમ છતાં યુવાનો હજુ પણ બર્થ ડે ની ઉજવણી પોતાના અંદાજમાં કરી વિડીયો સોશ્યલ મિડીયામાં અપલોડ કરતા હોય છે.