(એજન્સી) તા.૧૩
નાગરિકતા સુધારા બિલ મામલે શુક્રવારે નમાઝ બાદ અલીગઢ અને સહારનપુરમાં જોરદાર દેખાવો થયા હતા અને તેના કારણે સરકારે ઈન્ટરનેટ બંધ કરવાની જાહેરાત કરી હતી. સહારનપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ આલોક કુમાર પાંડેએ કહ્યું હતું કે, બગડેલી સ્થિતિને કાબૂ કરવા માટે અગમચેતી પગલાં સ્વરૂપે આ ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય કરાયો છે. અલીગઢના જિલ્લા મેજિસ્ટ્રેટે પણ કહ્યું હતું કે, મોડે સાંજ સુધી ઈન્ટરનેટ બંધ કરવાની જાહેરાત કરવામાં આવે છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર નાગરિકતા સુધારા બિલના વિરોધમાં માર્ગો પર ઊતરી આવ્યા છે. આ દરમિયાન બંને જિલ્લાના મેજિસ્ટ્રેટએ ઈન્ટરનેટ સેવા બંધ કરવાની સાથે પ્રાઈવેટ ઓપરેટરોને પણ સૂચના આપી દીધી હતી. તેમણે મેસેજ સેવાને પણ બંધ કરવાની જાહેરાત કરી છે. જોકે દિવસની શરૂઆતમાં જ સહારનપુરમાં જમિયત-એ-ઉલેમાએ હિન્દએ પણ દેખાવ કર્યા હતા. મદ્રેસાના બાળકો પણ ટ્રાફિક જામ કરવા રોડ પર ઉતરી આવ્યા હતા અને તેમણે ધારદાર પ્રદર્શનો કરીને બિલનો વિરોધ કર્યો હતો.