Site icon Gujarat Today

લિંબાયત વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માગણી ખોટી અને સાંપ્રદાયિકતાને ભડકાવનારી છે

(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.ર૪
સુરત શહેરમાં ૧૬૩ લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા રાજકીય લાભ ખાટવા લીંબાયત વિધાનસભા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા જે માંગણી કરાઈ છે, તે તદ્દન ખોટી અને સાંપ્રદાયિકતાને ભડકાવનારી માંગણી છે. અહીં વિવિધ ધાર્મિક જાતિના શ્રમિક લોકો વર્ષોથી નિર્ભય અને કોમી એકતા સાથે વસવાટ કરે છે. ધારા સભ્ય દ્ધારા અશાંતધારા માટે જે દલીલો કરી છે તેમાં લોકો શામ-દામ-ભેદની નીતીને અનુસરીને બીજી કોમોના ઘર, પ્લોટો, અને જમીનો પોતાના નામે લખાવી લે છે. તેમજ બજાર કરતાં વધારે કિંમત આપે છે. તેમજ ધાક ધમકી આપીને પણ ઘર, પ્લોટો, અને જમીનો પડાવી લે છે. આ જે દલીલો ધારા સભ્યએ છાપાઓ અને મિડીયામાં પ્રસારિત કરી છે. તે તદ્દન ખોટી ઉપજાવી કાઢેલ અને પાયાવિહોણી છે. આ દલીલો માત્રને માત્ર આવનારા વિધાન સભાના ઈલેકશનને લઈને પોતાનો અંગત રાજયકીય લાભ રળવા ખાતરની અને કોમી ભાવના ઉશ્કેરણી કરનારી હોવાનું જાણવા મળે છે. હાલ સુધીના ઈતિહાસમાં મુસ્લિમ સમાજના કે અન્ય કોઈ પણ સમાજના લોકો દ્ધારા ધાક-ધમકી આપી કોઈ બીજા સમાજ કે સમુદાયની ધર જમીન કે પ્લોટો પડાવી લીધા હોય તેવી કોઈપણ ફરિયાદ આજદીન સુધી લીંબાયત પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ નથી કે રેકર્ડ પર નથી.
લીંબાયતના ધારા સભ્ય દ્ધારા કરાયેલ અશાંતધારાની માંગણી સંદર્ભે નોંધનીય બાબત એ છે કે, અહીં આ વિસ્તારમાં છેલ્લા ૮ થી ૧૦ વર્ષ ઉપરાંત દરમ્યાન કોઈ મોટા કોમી તોફાન કે જાન માલને નુકશાન કરતા બે સમુદાયો વચ્ચે દંગાઓ કે ફસાદો થયા નથી. જે લીંબાયત પોલીસ સ્ટેશનના રેકર્ડ પર છે. અહીં એકંદરે સદંતર હિંદુ-મુસ્લિમ તથા અન્ય સમુદાયો વચ્ચે શાંતિ અને ભાઈચારો છે. સ્થાનિક લોકોના હિતમાં અમારા કોમી એકતાના પ્રતિકરૂપી વિસ્તાર માટે વિનંતીપૂર્વકની માંગણી છે કે શહેરના લીંબાયતમાં અશાંતધારો લાગુ કરવા બાબતે ધારા સભ્ય દ્ધારા કરાયેલી માંગણી તેમની દલીલો ખોટી અને પાયાવિહોણી તેમજ રાજકીય હિત પ્રેરીત હોવાની લીંબાયત જેવા શાંત વિસ્તારમાં અશાંતધારો લાગુ ન કરવા માટેની માંગણી સુરત નવસર્જન ટ્રસ્ટના પ્રમુખ યુસુફ આર.પઠાણ સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવી હતી.

Exit mobile version