(એજન્સી) તા.૧૭
પૂર્વ સાંસદ મોહમ્મદ અદીબે કહ્યું હતું કે નાગરિકતા સુધારા બિલ અને એનઆરસીના વિરોધમાં દેશભરમાં મોટાપાયે જેલભરો આંદોલન શરૂ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે વર્તમાન ભારત સરકાર તેની વિચારધારાને બળજબરીપૂર્વક દેશના લોકો પર થોપી દેવા માગે છે. જે પણ ભારતીય નાગરિક ભારતના બંધારણને પ્રેમ કરે છે તેમના માટે આ એકમાત્ર લોકપ્રિય રસ્તો છે કે તેઓ મોટાપાયે આંદોલન કરે. નવી દિલ્હીમાં આવેલાી બંધારણીય ક્લબમાં તેઓ સવેરા અને સદભાવના મિશન દ્વારા આયોજિત એક સભાને સંબોધી રહ્યાં હતાં. તેમણે દલીલ કરી કે આસામનો મામલો ફક્ત મુસ્લિમો કે હિન્દુઓનો નથી. પરંતુ અમિત શાહે આ મુદ્દાને ધર્મ સાથે સાંકળી દીધો. તેમણે કહ્યું કે સત્ય તો એ છે કે વર્તમાન સરકાર દેશ ચલાવવામાં સક્ષમ નથી. તમે કાશ્મીર અને ઉત્તર પૂર્વના તાજા ઉદાહરણો પરથી તે સમજી જ શકો છો. તેમણે વડાપ્રધાન મોદીને નિશાને લેતાં કહ્યું કે તે ઈચ્છે છે કે દેશમાં ફક્ત હિન્દી ભાષી બોલનારા લોકો જ રહે. જોકે દેશમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના તમામ લોકો ભારતીય નાગરિક છે.તેમણે કહ્યું કે દેશભરમાં એનઆરસી કોઈપણ કિંમતે સ્વીકાર્ય જ નથી. તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે તેઓ દેશને બચાવી લે એ પહેલાં કે અમિત શાહ તેને વેરવિખેર કરવાનો પ્રયાસ કરે. પૂર્વ સાંસદ તારિક અનવરે પણ કહ્યું કે આ આપણી ફરજ છે કે આપણે દેશના સેક્યુલારિઝમની સુરક્ષા કરીએ. તેમણે કહ્યું કે દેશને એક મોટા વિઝનની જરૂર છે પણ મોદીની નહીં. તેમણે બુદ્ધિજીવીઓને અપીલ કરી હતી કે તેઓ આગળ આવે અને દેશને બચાવી લે.