(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
જામિયા હિંસા મામલે સુપ્રીમકોર્ટે સુનાવણી દરમિયાન અરજદારોને કહ્યું કે, એ પહેલાં અમને સમજાવે કે અમે કેમ સુનાવણી કરીએ ? આ મામલો હાઈકોર્ટમાં કેમ લવાઈ જતો નથી. અરજદારોએ કહ્યું સમગ્ર દેશમાં હિંસા થઈ રહી છે. એવામાં સુપ્રીમકોર્ટે દરમિયાનગીરી કરવી જોઈએ. સીજેઆઈએ કહ્યું કે અમે એવું નહીં કરીએ, આ પ્રકારની ભાષાનો પ્રયોગ નહીં કરો, અરજદારોએ જ્યારે કહ્યું કે વિદ્યાર્થીઓએ હિંસા નથી કરી તો એની સામે સીજેઆઈએ પૂછયું જો હિંસા નથી કરી તો બસો કેવી રીતે બળી ગઈ ? સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે સુનાવણી કરવા ઈન્કાર કરતાં કહ્યું કે અમે ટ્રાયલ કોર્ટ નથી ચલાવતા અમને આ બાબત હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. આ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે, બસો કેવી રીતે બળી, તમે હાઈકોર્ટ સાથે સંપર્ક કેમ નથી કરતા. સુપ્રીમકોર્ટે કહ્યું કે, જો પોલીસને લાગે કે કોઈ પથ્થરો ફેંકે છે. સંપત્તિને નુકસાન પહોંચાડે છે તો શું પોલીસ શાંત બેસી રહેશે. અરજદારો તરફે રજૂઆત કરતાં વકીલ ઈન્દીરા જયસિંગે કહ્યું કે, યુનિ.માં પોલીસ વીસીની પરવાનગી વિના નહીં જઈ શકે. એક વિદ્યાર્થીની આંખો જતી રહી, કેટલાકના પગ તૂટી ગયા. આની સામે સોલિસિટર તુષાર મહેતાએ કહ્યું એક પણ વિદ્યાર્થીની આંખ ગઈ નથી. વકીલ ઈન્દીરા જયસિંગે કહ્યું કે, આ મામલામાં એસઆઈટીની જરૂર છે જે સત્ય શોધી શકે જે રીતે કોર્ટે તેલંગાણા એન્કાઉન્ટર કેસમાં તપાસ કમિટી નીમી એ જ રીતે અહીં પણ નીમવી જોઈએ. સીજેઆઈએ કહ્યું તેલંગાણા એન્કાઉન્ટરમાં એક પંચ તપાસ કરી શકે પણ જ્યારે જુદા જુદા ક્ષેત્રોમાં ઘટનાઓ બનતી હોય તો પંચને એ પ્રકારની સત્તા હોઈ શકે નહીં. સીજેઆઈએ વધુમાં કહ્યું કે, તમે અમારી પાસે સમાધાન માટે આવ્યા છો તો શાંતિથી પોતાની વાત રજૂ કરો. જો પ્રદર્શનકારી બનવા ઈચ્છો છો તો તમે એ જ કરો. અમે અધિકારોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ પણ યુદ્ધના વાતાવરણમાં એ થઈ નહીં શકે. પહેલાં આ બધી હિંસા બંધ કરાવો અમે પોતે જ સંજ્ઞાન લઈશું. નોંધનીય છે કે, નાગરિકતા સુધારણા કાયદાના વિરોધમાં દેશની ઘણી બધી કોલેજોમાં પ્રદર્શનો થઈ રહ્યા છે.