વિશાખાપટ્ટનમ, તા.૧૮
કુલદીપ યાદવની હેટ્રિક અને રોહિત શર્માના શાનદાર ૧૫૯ રનની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડિઝસામેની બીજી વન-ડેમાં ૧૦૭ રનથી વિજય મેળવ્યો હતો આ સાથે જ ત્રણ વન-ડેની સીરિઝમાં ભારતે ૧-૧ની બરાબરી કરી છે. ભારતે આપેલા ૩૮૮ રનના તોતિંગ લક્ષ્યાંકનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમે આકર્ષક શરૂઆત કર્યા બાદ મોહંમદ શમી અને કુલદીપના શાનદાર સ્પેલને શરણે થયા બાદ વિન્ડિઝની ટીમ ૨૮૦ રનમાં સમેટાઇ ગઇ હતી.
દરમ્યાન વેસ્ટઈન્ડીઝની સામે બીજી વન ડેમાં ભારતીય વાઇસ કેપ્ટન રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી દીધી. રોહિત શર્માએ પોતાના કેરિયરની ૨૮મી વન ડે સદી ફટકારી. રોહિતે ૧૦૭ બૉલમાં પોતાની સદી પૂર્ણ કરી અને આની સાથે તેણે એક વર્લ્ડ રેકૉર્ડ પણ પોતાના નામે કર્યો છે. રોહિત શર્માની આ સદી ઘણી જ ખાસ છે. આ વર્ષની રોહિત શર્માની આ ૧૦મી સદી છે. રોહિત શર્મા ૧૩૮ બૉલમાં ૧૫૯ રન બનાવીને આઉટ થયો છે. આ ઇનિંગમાં તેણે ૧૭ ચોગ્ગા અને ૫ છગ્ગા ફટકાર્યા હતા.
ઑપનર તરીકે એક વર્ષમાં ૧૦ સદી ફટકારનારો તે દુનિયાનો પહેલો ઑપનર બન્યો છે. રોહિત શર્માએ સચિનનો રેકૉર્ડ પણ તોડી દીધો છે, જેમણે ૧૯૯૮માં ઑપનર તરીકે ૯ સદી ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે રોહિતે ૭ વન ડે સદી અને ૩ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી છે. એક વર્ષમાં ૭ વન ડે સદી ફટકારનારો તે દુનિયાનો ચોથો ખેલાડી છે. રોહિત શર્માએ ગાંગુલી અને ડેવિડ વૉર્નરની બરાબરી કરી છે.
ઉલ્લેખનીય છે કે રોહિત શર્માનાં વન ડેમાં ૨૮ શતક છે અને હવે તે સૌથી વધારે વન ડે સદી ફટકારવાનાં મામલે ચોથા નંબર પર આવી ગયો છે. તેણે જયસૂર્યા (૨૮)ની બરાબરી કરી લીધી છે. હવે તેની આગળ ૩૦ સદી લગાવાનાર પૉન્ટિંગ અને ૪૩ સદી ફટકારનાર વિરાટ કોહલી અને ૪૯ સદી સાથે સચિન છે. આ વર્ષ રોહિતનાં કેરિયરનું સૌથી સારું વર્ષ છે. રોહિત શર્મા આ વર્ષે ૪૬ ઇનિંગમાં ૫૩.૦૬ની સરેરાશથી ૨૩૩૫ રન બનાવી ચુક્યો છે. તેના નામે ૧૦ સદી અને ૯ અડધી સધી છે. રોહિત શર્મા આ વખતે વર્લ્ડ કપમાં પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો. તેણે વર્લ્ડ કપમાં ૫ સદી ફટકારી હતી.
રોહિત શર્માએ સદીની સાથે સાથે એક વર્ષમાં સૌથી વધારે છગ્ગા મારવાનો પોતાનો જ રેકૉર્ડ તોડી દીધો છે. રોહિતે આ વર્ષે ૭૫ છગ્ગા લગાવ્યા છે. ગત વર્ષે તેણે ૭૪ છગ્ગા લગાવ્યા હતા. તો ૨૦૧૭માં તેણે એક કેલેન્ડર યરમાં સૌથી વધારે ૬૫ છગ્ગા લગાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ બીજી વન-ડેમાં રોહિત અને રાહુલની શાનદાર સદી અને શ્રેયસ ઐય્યર (પ૩) અને પંત (૩૯)ની આક્રમક ઈનિંગની મદદથી નિર્ધારિત પ૦ ઓવરમાં પ વિકેટે ૩૮૭ રનનો તોતીંગ જુમલો નોંધાવ્યો હતો.