(સંવવાદદાતા દ્વારા) મહેસાણા, તા. ૧૯
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ નાગરિક સંશોધન કાળા કાયદાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. તેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં પણ નારાજગી પ્રગટ કરવામાં આવી છે. મહેસાણા શહેરના સિદ્ધપુરી બજારના વેપારીઓએ ગુરૂવારે પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા. જ્યારે કડીના નંદાસણના મુસ્લિમોએ પણ તમામ દૂકાનો સ્વયંભૂ બંધ રાખીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત વિજાપુરમાં કાળા કાયદાનો વિરોધ કરવા આગામી શનિવારના રોજ શહેરના ચક્કર વિસ્તારમાં સવારે ૧૦ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ઘરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ધર્મના આધારે દેશમાં એકતાનું વાતાવરણ તોડવાના હેતુથી કેન્દ્રની મોદી સરકારે નાગરીક સંશોધનનો કાયદો મંજૂર કર્યો છે. જેમાં મુસ્લિમોની સાથે સાથે ભારતનું અર્થતંત્ર પણ ખાડે જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરાયું છે. આ કાયદાનો દેશભરમાં બુદ્ધિજીવીઓ અને અર્થશાસ્ત્રીએ વિરોધ પ્રગટ કરી રહ્યા છે. વળી વિવિધ યુનિવર્સિટીના છાત્રો પણ રસ્તાઓ પર ઉતરી પડી રોષ વ્યક્ત કરી રહ્યા છે. દેશભરમાં ઉઠેલા વિરોધી સૂરની અસરો મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળે છે. ગુરૂવારે મહેસાણા અને નંદાસણના મુસ્લિમ વેપારીઓએ પોતાની દુકાનો સ્વયંભૂ બંધ રાખી રોષ ઠાલળ્યો હતો.