અમદાવાદ, તા.૧૯
સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઈન્ડિયા (કમ્યુનિસ્ટ) (એસયુસીઆઈ(સી), કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ), કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ) (સીપીઆઈ(એમ), કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (એમએલ) (સીપીઆઈ(એમએલ)) તથા સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (એસપીઆઈ)ના સંયુક્ત ઉપક્રમે આજે બપોરે ૧ વાગે સરદાર બાગ, અમદાવાદ ખાતે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) અને નાગરિકતા સંશોધન કાનૂન-ર૦૧૯ (સીએએ) વિરૂદ્ધ રાષ્ટ્રવ્યાપી વિરોધ દિવસના ભાગરૂપે ઈસ્લામિયા યુનિવર્સિટી તથા દેશભરની અન્ય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ દ્વારા આ બંને કાયદાનો વિરોધ કરવા બદલ થયેલ પોલીસ અત્યાચારને પણ વખોડી કાઢવામાં આવ્યો હતો. આ દેખાવો એકદમ શાંતિપૂર્ણ રીતે યોજાયા હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા જોરજબરદસ્તી, ધાક-ધમકી અને વાહનોમાં તોડફોડ કરીને હિંસાત્મક રીતે કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સરદાર બાગમાં બેઠેલા નિર્દોષ વિદ્યાર્થીઓની પણ પોલીસે ધરપકડ કરી છે. જેને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. દેશના બંધારણના લોકશાહી અને બિનસાંપ્રદાયિક મૂલ્યો વિરૂદ્ધ પોતાની બહુમતીના જોરે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) અને નાગરિકતા સંશોધન કાનૂન-ર૦૧૯ (સીએએ)ના વિરોધમાં દેશભરમાં વિરોધનો સૂર ફાટી નીકળ્યો છે. આ વિરોધમાં વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વૈજ્ઞાનિકો સહિત દરેક ક્ષેત્રના લોકો જોડાયા છે. તેની સામે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા આ વિરોધને ક્રૂર રીતે કચડી નાખવા માટેે અત્યાચારની તમામ હદ વટાવી ચૂક્યા છે જે દેશના બંધારણીય મૂલ્યોે વિરૂદ્ધની વાત છે. એસયુસીઆઈએ આ બંને કાયદાને તાત્કાલિક ધોરણે રદ કરવા લોેકશાહી ઢબે વિરોધ કરતા લોકો ઉપર અત્યાચાર બંધ કરવામાં આવે તથા અત્યાચારી પોલીસને કડક સજાની માંગ કરી હતી.