અમદાવાદ,તા.રપ
રાજ્યમાં ચોમાસાના આરંભથી જ સારો વરસાદ જોવા મળ્યો હતો. જયારે કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિની અસર પણ જોવા મળી હતી. બીજી તરફ વરસાદ બંધ થતા ગરમીનું પ્રમાણ વધ્યું છે ત્યારે ચોમાસાને અનુલક્ષીને કાર્યરત થયેલ એક સીસ્ટમને પરિણામે આગામી ૪૮ કલાકમાં સૌરાષ્ટ્ર સહિત રાજયના કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ વર્ષે ચોમાસાની ચાલુ સીઝનમાં અત્યાર સુધી અનેક સ્થળોએ સીઝનના કુલ વરસાદ કરતા પણ વધુ વરસાદ પડી ગયો છે. છતાં વરસાદે વિરામ લેતા ગરમીનું પ્રમાણ ઘટયું નથી રાજયના અનેક સ્થળોએ તાપમાનનો પારો ૩૪ ડિગ્રીની નજીક પહોંચ્યો છે. ત્યારે સક્રિય થઈ રહેવી અપરએર સાયકલોનિક સરકયુલેશન સીસ્ટમને પરિણામે આગામી ૪૮ કલાકમાં સૌરાષ્ટ્ર સહિત રાજયના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત, દમણ, દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે જયારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. આમ ગત સપ્તાહમાં અતિભારે વરસાદની આગાહીને ખોટી કહેનાર મેઘરાજા આ વખતે શું કરશે તે તો ૪૮ કલાક વિત્યા બાદ જ ખબર પડશે.