(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૫
ક્રિસમસ તથા નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂની માંગ વધતી હોવાથી પોલીસે શહેરના પ્રવેશમાર્ગો પર વોચ ગોઠવી આજે દરજીપુરા પાસેથી કન્ટેનરમાંથી કારમાં મુકી રહેલા ૩ શખ્સોની પોલીસે ધરપકડ કરી રૂા.૬.૩૦ લાખનો દારૂ, કાર તેમજ કન્ટેનર મળી કુલ રૂા.૧૭.૮૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ભાગી છુટેલા કન્ટેનર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર ક્રિસમસ તથા નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂની માંગ વધતી હોવાથી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોટની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસે વોચ ગોઠવી હતી. હરણી પોલીસ મથકનાં સર્વેલન્સ ટીમ રાત્રી પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન આજે વહેલી સવારે દરજીપુરા આર.ટી.ઓ. પાસે નટુભાઇના પાર્કિંગમાં ખુલ્લી જગ્યામાં ઉભી રહેલ કન્ટેનરમાંથી ૩ જણાં કેટલોક સામાન કારમાં મુકી રહ્યાં હતા. આથી પોલીસે તે સ્થળે જઇ ૩ જણાંની અટકાયત કરી, ટ્રકની તલાશી લેતા તેમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂા.૬.૩૦ લાખનો દારૂનો જથ્થો ઇન્ડીકા કાર, બાઇક તેમજ ટ્રક અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.૧૭.૮૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી માલ ઉતારી રહેલ યશ મહેન્દ્રભાઇ ચાવલા (રહે. સંતકવર કોલોની, વારસીયા), જયેશ ઉર્ફે ભાવીન જયંતિભાઇ કાછીયા (રહે. અનંતા, લાઇક સ્ટાઇલ, આજવા રોડ) તથા શકિત મહેન્દ્રસિંહ રાજપૂત (રહે.નવીવસાહત, આજવા રોડ)ની ધરપકડ કરી ભાગી છુટેલા કન્ટેનરનાં ચાલકની શોધખોળ હાથ ધરી હતી.