Site icon Gujarat Today

કુટુંબ નિયોજનના ઓપરેશન વેળા મહિલાનું મોત પરિવારજનોનો તબીબની બેદરકારીનો આક્ષેપ

(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૨૫
બોરસદના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન દેદરડાની ૩૪ વર્ષીય મહિલાનું મોત નીપજતા મહિલાના પરિવારજનોએ તબીબ અને આશાવર્કરની કથિત બેદરકારીના કારણે મહિલાનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરી હોબાળો કર્યો હતો. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા મહિલાના મૃતદેહનું કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પેનલ ડૉક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.અને ત્યારબાદ મૃતદેહ ધરે લાવવામાં આવતા પરિવારજનો તેમજ માતાની મમતા ગુમાવનાર ચાર બાળકોનાં કલ્પાંતથી સૌ દ્રવી ઉઠયા હતા.
મળતી વિગતો અનુસાર દેદરડા ગામે નવરંગપુરામાં રહેતા રંજનબેન જીતેન્દ્રભાઈ સોલંકી ઉ.વ. ૩૪ ને ત્રણ દિકરીઓ અને એક દિકરો છે. જેઓને ગઈકાલે બપોરે આશાવર્કર જયશ્રીબેન મહેશભાઈ સોલંકી કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવા માટે સમજાવીને બોરસદના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. જ્યાં ઓપરેશન દરમિયાન તબીબની બેદરકારીના કારણે રંજનબેનની તબીયત વધુ લથડતા તેઓને ત્વરીત વધુ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણમાં ખસેડ્યા હતા. જ્યાં તેઓને તપાસી તબીબે મૃત જાહેર કર્યા હતા. જેને લઈને મૃતક મહિલાના પરિવારજનોએ ડૉક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયું હોવાનો આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો. જેને લઈ પોલીસ દ્વારા આ અંગે અપમૃત્યુની નોંધ કરી મહિલાના મૃતદેહનું કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પેનલ ડૉક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.
કુટુંબ નિયોજનનાં ઓપરેશન દરમિયાન મોતને ભેટનાર મહિલાનાં પતિ જીતેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે તેમની પત્નીનાં ઓપરેશનનો ૩૦મો નંબર હતો,અને પહેલા જ તેઓનું ઓપરેશન કરી દેવાયું અને તેની જાણ પણ કરવામાં આવી ન હતી,નર્સો દોડાદોડ કરતી હતી,પરંતુ તેમની પત્નીની સ્થિતી અંગે કોઈ જાણ નહી કરાતા તેઓ ઓપરેશન થીયેટરની બહાર બેસી રહ્યા હતા અને છેલ્લી ધડીએ તેઓને જાણ કરી તેમની પત્નીને વધુ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં લઈ જવા જણાવ્યું હતું જો તેમને પહેલાથી જ તેમની પત્ની અંગે જાણ કરી દીધી હોત તો તેઓ સારી હોસ્પીટલમાં તેમની પત્નીને સારવાર માટે લઈ જઈને તેણીનો જીવ બચાવી શકયા હોત,પરંતુ તબીબોની બેદરકારીનાં કારણે તેમની પત્નીનું મોત નિપજયું હોેઈ છેક સુધી તેમને કોઈ જાણ કરવામાં આવી ન હતી. ચાર માસુમ બાળકોએ માતાનું છત્ર ગુમાવ્યું.
દેદરડાની મહિલાનું કુટુંબ નિયોજનનાં ઓપરેશન દરમિયાન મોત નિપજવાની ધટના અંગે તાલુકા હેલ્થ ઓફીસર ડા.દિનેશએ જણાવ્યું હતું કે કુટુંબ નિયોજનનાં ઓપરેશન દરમિયાન મહિલા બેભાન થઈ જતા તેણીને ત્વરીત સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી જયાં સારવાર દરમિયાન તેણીનું મોત નિપજયું હતું જેનું ફોરેન્સિલક લેબોરેટરીમાં પેનલ ડોકટરની ટીમ દ્વારા પોષ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે,અને પોષ્ટમોર્ટમ રીપોર્ટ બાદ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે.

Exit mobile version