(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
દિલ્હીમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણઓમાં જો કોંગ્રેસ સત્તામાં આવશે તો, લોકોને એક મહિનામાં ૬૦૦ યુનિટ્સ સુધી સબસિડીવાળી વિજળી આપવાનું દિલ્હી કોંગ્રેસે વચન આપ્યું હોવાથી દિલ્હીની આમ આદમી પાર્ટી (આપ)ની સરકારે આ યોજના પહેલા કોંગ્રેસ શાસિત રાજ્યોમાં લાગુ કરવાનો કોંગ્રેસને પડકાર ફેંક્યો છે. દિલ્હી વિધાનસભાની ૭૦ સીટની ચૂંટણીઓ આગામી વર્ષના જાન્યુઆરીના અંતે કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં યોજાવાની સંભાવના છે. દિલ્હીના વઝીરપુર વિસ્તારમાં યોજવામાં આવેલી કોંગ્રેસની એક રેલીને સંબોધતા દિલ્હી કોંગ્રેસના પ્રમુખ સુભાષ ચોપડાએ જણાવ્યું કે જો કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો દિલ્હીના લોકોને કોંગ્રેસ દ્વારા દર મહિને ૬૦૦ યુનિટ્સ સુધી સબસિડીના દરે વિજળી આપવામાં આવશે. ચોપડાની આ જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે એવું ટિ્વટ કર્યું કે હું ખુશ છું કે અન્ય પક્ષો આપ સરકારના સારા કાર્યોને પણ અપનાવી રહ્યા છે. જોકે, તેમણે એવું કહ્યું કે લોકોને કોંગ્રેસના ઇરાદાની ખાતરી થાય તેના માટે પહેલા કોંગ્રેસે તેના દ્વારા શાસિત રાજ્યોમાં આ યોજનાનો અમલ કરવો જોઇએ.