(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
ગણતંત્ર દિવસ ૨૦૨૦ની પરેડ માટે કેન્દ્રના સરક્ષણ મંત્રાલયે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની ઝાંખીના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. પશ્ચિમ બંગાળની ઝાંખીના પ્રસ્તાવને કેન્દ્રના સંરક્ષણ મંત્રાલયે ફગાવ્યા બાદ તૃણમુલ કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે. ગણતંત્ર દિવસ પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખીને સામેલ નહીં કરવા અંગે મમતા બેનરજીની પાર્ટી ટીએમસીએ ભાજ૫ના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા નાગરિકતા કાયદા પર પ્રદર્શન કરતા રાજ્યના લોકોનું અપમાન ગણાવ્યું છે. સાથે જ પાર્ટીએ જણાવ્યું હતું કે, નાગરિકતા કાયદાનો વિરોધ કરવાને કારણે સરકારે ઝાંખીના પ્રસ્તાવને ફગાવ્યો છે. તૃણમુલ કોંગ્રેસે કહ્યું છે કે, સંશોધિત નાગરિકતા કાયદા વિરૂદ્ધ રાજ્યમાં પ્રદર્શનના પરિણામસ્વરૂપ આ નિર્ણય લેવાયો છે. તેણે રાજ્યના લોકોનું અપમાન ગણાવ્યું છે.
નોંધનીય છે કે, ગણતંત્ર દિવસ ૨૦૨૦ માટે પશ્ચિમ બંગાળની ઝાંખીના પ્રસ્તાવને પસંદગી કરનારી એક્સપર્ટ કમિટીએ ફગાવી દીધો છે. આ વખતની ગણતંત્ર દિવસની પરેડ માટે ઝાંખીઓના ૫૬ પ્રસ્તાવોમાંથી ૨૨ની પસંદગી કરાઇ છે જેમાં રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના ૧૬ તથા કેન્દ્રીય મંત્રાલયોના ૬ પ્રસ્તાવ છે. જોકે, ભાજપે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ટીએમસીએ નિયમોનું પાલન કર્યું નથી જેના કારણે પ્રસ્તાવ ફગાવાયો છે. મંત્રાલય અનુસાર પશ્ચિમ બંગાળના પ્રસ્તાવના નિષ્ણાત સમિતિ દ્વારા બે તબક્કાની પોતાની બેઠકોમો પરીક્ષણ કર્યા બાદ ફગાવાયો છે અને તેને આગળ વિચારણા માટે વધાર્યો છે.પશ્ચિમ બંગાળના સંસદીય બાબતોના રાજ્યમંત્રી તાપસ રોયે કેન્દ્રની ભાજપની આગેવાનીવાળી સરકાર પર આરોપ લગાવ્યો છે કે, તે રાજ્ય વિરૂદ્ધ બદલાની ભાવના રાખે છે. રાજ્ય સાથે સાવકા જેવો વ્યવહાર એ માટે કરાયો છે કારણ કે, પશ્ચિમ બંગાળ ભાજપ સરકારની જનવિરોધી નીતિઓનો વિરોધ કરતી રહે છે. અમે નાગરિકતા સંશોધન કાયદા જેવા જનવિરોધી કાયદાનો વિરોધ કર્યો છે તેથી કેન્દ્રે અમારી ઝાંખીનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલિપ ઘોષે કહ્યું છે કે, રાજ્ય સરકારે પ્રસ્તાવ રજૂ કરવાના નિયમો અને પ્રક્રિયાનું પાલન કર્યું નથી તેથી તેમની ઝાંખીના પ્રસ્તાવને અસ્વીકાર કરાયો છે. ટીએમસીએ દરેક મુદ્દે રાજનીતિ કરવાનું બંધ કરવું જોઇએ. ટીએમસીના સૌગત રાયે કહ્યું છે કે, બંગાળને બહાર કરવું ઘોર ભેદભાવ હશે. બંગાળ એક સમૃદ્ધ વારસાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેનો બહિષ્કાર મોદી-શાહની જોડીનો પક્ષપાતી વ્યવહાર દેખાડે છે.