(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૧૪
પાલનપુરના તાજપુરાની બે સંતાનોની જુવાનજોધ માતાએ આત્મહત્યા કરી લેતાં બે બાળકો નોંધારા બન્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુરના તાજપુરા વિસ્તારમાં રહેતી અને ઘરે બેસી મસાલાના પાઉચ પેકિંગ કરતી લલીતાએ શુક્રવારે પતિ નરેશની ગેરહાજરીમાં આપઘાત કર્યો છે. પતિ નરેશ કલર કામની મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે. પતિવારજનોએ જણાવ્યું કે, “સાત વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતા અભિષેક નામનો પુત્ર અને રાધિકા નામની ૫ વર્ષની બાળકી છે. શાળાએથી બાળકો ઘરે આવતા ઘરનો મુખ્ય દરવાજો બંધ જોતા લલિતાની જેઠાણીને બોલાવતા દરવાજો ખોલી જોતા લલિતા નીચે પડેલી હતી. જે જોતા બાળકોએ માતાને જગાડવા પ્રયત્ન કરતાં માતા ના જાગતાં બાળકો રડવા લાગ્યા હતા. મામલાની જાણ લલિતાના પતિ નરેશને કરાતાં તે પણ ઘરે પહોંચ્યો હતો. જ્યાં લલિતા ઘરમાં મૃત હાલતમાં પડી હતી. પરિવારજનોએ પશ્ચિમ પોલીસને જાણ કરી હતી પશ્ચિમ પોલીસે લાશનો કબજો મેળવ્યો હતો. આત્મહત્યાનું પ્રથમ તારણ કાઢી લાશને પીએમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.