અમદાવાદ, તા.૧૭
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તા.ર૪ ફેબ્રુઆરીએ અમદાવાદના મોંઘેરા મહેમાન બનવાના છે, ત્યારે ટ્રમ્પ અને મોદીનો ભવ્ય રોડ શૉ યોજાશે. દરમિયાન તંત્ર દ્વારા સુરક્ષાના નામે રોડ શૉના રૂટ ઉપર આવતી સોસાયટીના રહીશોને રોડ શૉ જોવા માટે પણ પોલીસની મંજૂરી લેવાનો આદેશ કરાયો છે, ત્યારે રોડ શૉ જોવા માટે પોલીસની મંજૂરી નહીં મેળવનારા રોડ શૉ જોઈ શકશે નહીં. એટલે તેમને ઘરમાં જ કેદ રહેવાનો વારો આવશે. આમ સુરક્ષા અને સલામતીના નામે પ્રજાને જ ઘરમાં કેદ કરવી કેટલી હદે યોગ્ય છે ? રોડ શૉ જોવા પોલીસ મંજૂરી લો અથવા ઘરમાં જ પૂરાઈ રહો, તેવી પરિસ્થિતિ નિર્માણ પામતા લોકોમાં રોષ છે. મોદી-ટ્રમ્પના રોડ શૉને લઈને શહેરના સુભાષ બ્રિજ કલેક્ટર ઓફિસ સામે આવેલી ઘનશ્યામનગર એક સોસાયટીના બોર્ડ પર સુચના આપવામાં આવી છે કે, તા.૨૪-૨૫-૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિનો રોડ શો આપણાં વિસ્તારમાં હોવાથી જે કોઇ ભાઇ કે બહેનને રોડ શો સોસાયટીના બહારથી જોવાની ઇચ્છા હોય તો તે લોકોએ સોસાયટીની ઓફિસમાં તેમના આધાર કાર્ડની ઝેરોક્સ અને પોતાનો મોબાઇલ નંબર જમા કરાવવો પડશે. આ માહિતા પોલીસ કમિશ્નરના આદેશથી આપવામાં આવી છે. પોલીસ આ મહિતીના આધારે જે તે નાગરિકને આઇ.કાર્ડ આપશે અને આઇ કાર્ડ પહેરલ હોય તે જ વ્યક્તિ સોસાયટીની બહાર તેમના સ્વાગત માટે ઉભી રહી શકશે. સૂત્રોએ કહ્યું કે રોડ પર ઉભા રહીને સોસાયટીના નાકે મહાનુભાવોના રોડ શો જોવા માટે પણ પોલીસની મંજૂરી લેવી ફરજિયાત કરવાનું પગલુ વધુ પડતું છે અને પોલીસના આપેલા આઇકાર્ડ જેમની પાસે નહીં હોય તેને સોસાયટીના નાકે કે ઘરની બહાર ઉભા રહેવા દેવામાં નહીં આવે તો એ લોકોએ ફરજિયાતપણે પોતાના જ ઘરમાં પોતાની સોસાયટીમાં પૂરાઇને રહેવું પડે તો નવાઇ નહીં…! સૂત્રોનું માનવુ છે કે અમદાવાદમાં આ અગાઉ ઘણાં મહાનુભાવો આવ્યા અને તેમના રોડ શો યોજાયા પરંતુ ઘર કે સોસાયટીની બહાર ઉભા રહેવા માટે પણ પોલીસની આગોતરી મંજૂરીનું પગલુ વધારે પડતુ છે અને તેનાથી કેટલાય લોકોને વગર વાંકે ઘરમાં જ રહેવુ પડે તો નવાઇ નહીં. મહાનુભાવોના રોડ શો દરમ્યાન જે તે સોસાયટીમાં અચાનક કોઇની તબિયત બગડી તો…? શું તેને દવાખાને કે હોસ્પિટલ લઇ જવાની મંજૂરી અપાશે…?