(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માન માટે સત્તાવાર રીતે યોજાયેલ ભોજન સમારંભમાં હાજરી આપશે. પક્ષના સૂત્રોએ જણાવ્યું છે કે, રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદ પણ હાજર રહેશે પણ લોકસભાના નેતા અધિર રંજન ચૌધરી હાજર રહેશે નહીં. સત્તાવાર ભોજન સમારંભ જ એક કાર્યક્રમ છે. જેમાં કોંગ્રેસના નેતાઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. ચૌધરીએ કહ્યું કે, સરકારે અમેરિકાના અધિકારીઓને કહેવું જોઈતું હતું કે, તેઓ પ્રણાલિઓનું અનુસરણ કરેે. જો કે, ચૌધરીએ ભોજન સમારંભમાં હાજર નહીં રહેવા માટે અંગત કારણ જણાવ્યું પણ એમણે અમદાવાદમાં યોજાયેલ નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓને નિમંત્રણ નહીં આપવા સામે વાંધો ઊઠાવ્યો હતો. એમણે કહ્યું કે, જ્યારે અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ યોજાયો હતો, તે વખતે મુખ્ય વિરોધ પક્ષ ડેમોક્રેટને પણ આમંત્રણ અપાયું હતું. આ એક પ્રથા છે કે, જ્યારે કોઈ પણ વિદેશી મહેમાન આવે છે, ત્યારે એમની સાથે મુખ્ય વિરોધ પક્ષના નેતાઓ મળે છે. ર૦૧૦ના વર્ષમાં જ્યારે યુપીએનું શાસન હતું, તે વખતે બરાક ઓબામા ભારત આવ્યા હતા, તે વખતે વિપક્ષી નેતાઓ સાથે મળ્યા હતા. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે, ભારતે અમેરિકા સમક્ષ એચ૧બી વિઝાનો મુદ્દો ઊઠાવવો જોઈએ. નવી સિસ્ટમમાં ભારતીયોની વિઝાઓમાં ઘટાડો થયો છે.