(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
દિલ્હીમાં ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં બીજી વાર વિવાદાસ્પદ નાગરિકતા સુધારા કાયદા (સીએએ)ના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે સર્જાયેલી અથડામણમાં એક પોલીસ કર્મચારી અને એક નાગરિકના મોત થયાં છે. માર્યા ગયેલા નાગરિકને માથામાં ગોળી વાગી હતી અને ઓછામાં ઓછા અન્ય ૩૭ પોલીસવાળા ઘવાયા છે. ઘવાયેલાઓને જીટીબી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા છે. સીએએ વિરોધી અને સમર્થકો વચ્ચે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને વાહનો તેમ જ દુકાનોને આગ ચાંપવામાં આવતા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી યુદ્ધ ઝોનના એક ભાગમાં રૂપાંતર થઇ ગઇ હતી. હિંસક અથડામણને પગલે પ્રશાસનને અર્ધલશ્કરી દળો તૈનાત કરવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે સંખ્યામાં લોકોના એકત્રિત થવા સામે પ્રતિબંધ લાદવાની ફરજ પડી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હીમાં આવી પહોંચે તેના કલાકો પહેલા હિંસા ફાટી નીકળી છે. સીએએ સામેના શાંતિપૂર્ણ વિરોધ કરવા માટે શનિવાર રાતથી ૧૦૦૦થી વધુ મહિલાઓ ધરણા પર બેઠી છે ત્યારે જાફરાબાદ નજીક સીએના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે અથડામણો સર્જાઇ છે. હિંસાને પગલે દિલ્હી પોલીસે ૧૦ પોલીસ મથક હેઠળ આવેલા વિસ્તારોમાં કરફ્યુ લાદી દીધો છે.
મહત્વના ૧૦ મુદ્દા
૧. હિંસા દરમિયાન ચાંદબાગમાં દિલ્હી પોલીસના હેડકોન્સ્ટેબલ માર્યા ગયા છે અને ગોકુલપુરીમાં નાયબ પોલીસ કમીશનર (ડીસીપી) સહિત ૩૭ પોલીસવાળા ઘવાયા છે. ચાંદબાગ, ભજનપુરા, મૌજપુર અને જાફરાબાદ સહિતના અન્ય વિસ્તારોમાં સર્જાયેલી હિંસામાં વાહનો, દુકાનો અને ઇમારતોને આગ ચાંપવાના વિચલિત કરનારા વીડિયો વાયરલ થયા છે. સીએએ વિરોધી દેખાવકારો દ્વારા પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવતા ભજનપુરામાં એક પેટ્રોલ પંપમાં આગ લાગી હતી.
૨. જાફરાબાદના અન્ય એક વીડિયોમાં લાલ રંગના શર્ટ પહેરેલી એક વ્યક્તિને ગન સાથે એક નિશસ્ત્ર પોલીસ અધિકારી તરફ દોડતો જોઇ શકાય છે. હવામાં ગોળીબાર કરતા પહેલા પોલીસ કર્મચારી સાથે તેનો ઝઘડો થયો હતો. જ્યારે અન્ય એક વીડિયોમાં બંને જૂથોના લોકોને કોન્ક્રિટના ડિવાઇડર તોડીને રોડ પર એકબીજા પર પથ્થરો ફેકતા જોઇ શાકય છે. આ વીડિયોમાંથી ઓછામાં ઓછા એક વીડિયોમાં હિંસક ટોળાને ‘જય શ્રીરામ’ના સૂત્રોચ્ચારો કરતા સાંભળી શકાય છે.
૩. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે દિલ્હી પોલીસે ટીયર ગેસના સેલ્સ છોડ્યા હતા. હિંસા ફેલાયા બાદ શાંતિ સ્થાપવા માટે અર્ધ-લશ્કરી દળો બોલાવવામાં આવ્યા હતા. જાફરાબાદ, મૌજપુર-બાબરપુર, ગોકુલપુરી, જોહરી એન્કલેવ અને શિવ વિહાર, ઉદ્યોગ ભવન, પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય અને જનપથ સ્ટેશનો દિલ્હી મેટ્રોએ બંધ કરી દીધા હતા. ભારે સંખ્યામાં લોકોના એકત્રિત થવા સામે કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
૪. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે હિંસાને ‘અત્યંત દુઃખદાયક અને પરેશાન કરનારી ગણાવી છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમ જ શાંતિ-એકલાસ જાળવી રાખવાની ખાતરી કરવાની અરજ કરી છે. રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે હિંસક અથડામણો અંગે ટિ્વટર પર ચિંતા વ્યક્ત કરી છે.
૫. દિલ્હીના લેફ્ટ. ગવર્નર અનિલ બૈજલે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમણે દિલ્હી પોલીસને આદેશ આપ્યો છે. પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. શાંતિ અને સદ્ભાવ જાળવવા માટે સંયમ દાખવવાની તેમણે બધા લોકોને અરજ કરી છે.
૬. ડોનાલ્ડ ટ્રમ્પ ૭-૩૦ વાગ્યાના સુમારે દિલ્હી આવી પહોંચ્યા હતા. પ્રથમ વખત ભારતની યાત્રાએ આવેલા ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ધાર્મિક સ્વતંત્રતાનો મુદ્દો ઉઠાવે તેવી સંભાવના છે.
૭. કોમવાદી અને ભડકાઉ ટિપ્પણીઓ કરવાનો ઇતિહાસ ધરાવતા ભાજપના સ્થાનિક નેતા કપિલ મિશ્રા દ્વારા રવિવારે મૌજપુરમાં સીએએ તરફી રેલી યોજવામાં આવ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. કપિલ મિશ્રાએ દિલ્હી પોલીસને અલ્ટિમેટમ આપ્યું હતું.
૮. રવિવારે ઉત્તર પ્રદેશના અલીગઢમાં પણ હિંસા સર્જાઇ હતી. પોલીસ અને સીએએ વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણો સર્જાઇ હતી. એક દુકાનને આગ ચાંપવામાં આવી હતી અને પોલીસના ઓછામાં ઓછા બે વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. પોલીસ સાથેની અથડામણમાં પોલીસ અધિકારીઓ ઘવાયા હતા.
૯. રવિવારે સાંજે ૬ વાગે અલીગઢમાં બંધ કરવામાં આવેલું ઇન્ટરનેટ હજી પણ શરૂ કરવામાં આવ્યું નથી. હિંસામાં આઠ લોકો ઘવાયા હતા. ઘવાયેલા આઠ લોકોમાં પાંચ દેખાવકારો અને ત્રણ પોલીસવાળાનો સમાવેશ થાય છે. એક દેખાવકારને ગોળીવાગી છે. જોકે, પોલીસે ગોળીબાર કર્યાનો ઇનકાર કર્યો છે.
૧૦. સીએએ સામે વ્યાપક વિરોધ પ્રદર્શન સમગ્ર દેશમાં ફેલાયું છે. સીએએ ભારતમાં પ્રથમ વાર નાગરિકતા માટે ધાર્મિક ટેસ્ટ છે. જ્યારે સરકાર કહે છે કે પાડોશી ત્રણ મુસ્લિમ દેશોના લઘુમતીઓને સીએએ નાગરિકતા આપશે. સીએએના ટીકાકારોએ તેને મુસ્લિમ વિરોધી કાયદો ગણાવ્યો છે.
ઉત્તરપૂર્વ દિલ્હીમાં હિંસા : કેજરીવાલે ઉપરાજ્યપાલ અને અમિત શાહને કાયદો વ્યવસ્થા સ્થાપિત કરવા અપીલ કરી
નાગરિકતા સુધારા કાયદા અંગે દિલ્હીમાં ફરીથી તણાવની સ્થિતિ પેદા થઇ છે. આ તણાવ એવા સમયે જોવા મળ્યો છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવ્યા છે. રવિવાર પછી સોમવારે પણ મૌજપુરમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. અહેવાલ અનુસાર અહીં ફરીથી નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ દેખાવકારો અને સમર્થકો વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. આ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટિ્વટ કરીને કેન્દ્ર સરકારને સ્થિતિને કાબૂ કરવામાં મદદ કરવા અપીલ કરી હતી. અરવિંદ કેજરીવાલે ટિ્વટ કરી હતી કે દિલ્હીના અમુક ભાગોમાં શાંતિ અને સદ્ભાવને બગાડનારા અહેવાલ સાંભળવામાં આવ્યા છે. જે હેરાન કરી મૂકે તેમ છે. હું ઈમાનદારીથી ઉપરાજ્યપાલ તથા માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીને કાયદો અને વ્યવસ્થાને બહાલ કરવા આગ્રહ કરું છું. કોઈને પણ માહોલ બગાડવાની મંજૂરી ન આપવી જોઈએ. આ મામલે ઉપરાજ્યપાલ અનિલ બૈજલે ટિ્વટ કરી કે દિલ્હી પોલીસને અને કમિશ્નરને એ સુનિશ્ચિત કરવા કહેવાયું છે કે ઉત્તર પૂર્વ દિલ્હીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. સ્થિતિ પર ચાંપતી નજર રખાઈ રહી છે. હું બધાને શાંતિ અને સદભાવ બનાવી રાખવા અને સંયમ જાળવવા અપીલ કરું છું. માહિતી અનુસાર મૌજપુર હિંસામાં એક પોલીસકર્મી મૃત્યુ પામ્યો છે જ્યારે પથ્થરબાજીમાં આશરે ૧૦ પોલીસકર્મી ઘવાયા હતા.
દિલ્હી હિંસા : ગૃહસચિવે કહ્યું, સ્થિતિ નિયંત્રણ હેઠળ છે
દિલ્હીના ઉત્તર-પૂર્વમાં મુજપુર-બાબરપુર વિસ્તારમાં હિંસા બાદ હાલમાં સ્થિતિ કાબૂમાં છે તેમ ગૃહસચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું. સોમવારે શરૂ થયેલ બે જૂથો વચ્ચેની હિંસક અથડામણો મંગળવારે પણ સતત ચાલી રહી પરંતુ હવે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસદળ ખડકી દેવાયું છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મુજપુર વિસ્તારમાં એક પોલીસ સહિત બે લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી કેજરીવાલે વધુ પોલીસ દળ મૂકવા માગણી કરી છે.
યુવકે દિલ્હી પોલીસની સામે જ ખુલ્લેઆમ ગોળીબાર કર્યો : ભજનપુરા, મૌજપુર અને જાફરાબાદમાં હિંસા
તાજેતરમાં હિંસક ઘટનાઓ વધુ એક વીડિયો લીક થયો છે અને વાયરલ થઈ રહ્યો છે જેનાથી દિલ્હી પોલીસ ફરી સવાલોના ઘેરામાં આવી ગઈ છે. આ વીડિયોમાં દિલ્હી પોલીસની હાજરીમાં જ એક યુવક ખુલ્લેઆમ ગોળીબાર કરી રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે પાછળ પથ્થરમારો કરી રહેલાં લોકો આગળ વધી રહ્યાં છે અને ગોળી ચલાવતો યુવક તેની જમણી બાજુએ જોઇ રહ્યો છે અને તેની સામે જ પોલીસવાળો પણ ઊભો છે. આ હિંસક ઘટનાઓ ભજનપુરા, મૌજપુર અને જાફરાબાદ સહિત ઉત્તરપૂર્વ દિલ્હીના અનેક વિસ્તારોમાં બની હતી. જોકે આ યુવકનો ખુલ્લેઆમ ગોળીબાર કરતો વીડિયો એવા સમયે વાયરલ થયો છે જ્યારે ૨૪ કલાક પહેલાં જ ભાજપના નેતા કપિલ મિશ્રાએ પોલીસને ધમકાવી હતી કે જો તેઓ સીએએ વિરોધી દેખાવકારોને હટાવીને રસ્તો ખાલી નહીં કરાવે તો તેણે માઠા પરિણામો ભોગવવા પડશે. કપિલ મિશ્રા તેની ધમકીમાં બોલી રહ્યો હતો કે ડીસીપી મારી જોડે જ ઊભા છે. હું તેમના વતી કહી રહ્યો છું કે જ્યાં સુધી ટ્રમ્પ ભારત આવીને જતા નહીં રહે ત્યાં સુધી અમે ચૂપ બેસીશું. તેના પછી અમે કોઈની નહીં સાંભળીએ, પોલીસની પણ નહીં, દેખાવકારો ચૂપચાપ રોડ ખાલી કરી દે.