Site icon Gujarat Today

સુરતમાં ડિવાઈડર તોડી બેકાબૂ ડમ્પર દુકાનમાં ઘૂસી ગયું

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
ઉધના મગદલ્લા રોડ ઉપરના નવજીવન સર્કલ નજીક એક બેકાબૂ ડમ્પર ડિવાઈડર તોડી દુકાનમાં ઘૂસી ગયું હતું જેથી ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના જવાનોએ કટરથી કેબિન કાપી ઈજાગ્રસ્ત ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, વહેલી સવારે ઘટના બની હોવાથી રસ્તા પર વાહનોની અવર-જવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પવનપુત્ર કાટગનું ડમ્પર લઈને ડ્રાઈવર ૩૦ વર્ષીય રામગોપાલ પાલ વહેલી સવારે ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી બેકાબૂ બનેલા ડમ્પરે એક અન્ય ડમ્પરને ટક્કર મારતા ડિવાઈડર પર ચડી ગયું હતું. ત્યારબાદ ડમ્પર ડિવાઈડર તોડી સ્પેર પાર્ટની દુકાનમાં ઘૂસી જતાં ઊભું રહી ગયું હતું. કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરે બચાવો બચાવોની બૂમાબૂમ કરી મૂકી હતી. દરમિયાન પોલીસ પીસીઆર વાનના ચાલકે ઘટનાને જોયા બાદ કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ ૩૦ મિનિટમાં કટરથી કેબિન કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો.

Exit mobile version