અમદાવાદ, તા.૨૬
નાણાંમંત્રીના બજેટમાં ગૃહવિભાગ માટે રૂ.૭૫૦૩ કરોડની મહત્વની જોગવાઇ કરાઇ હોવાનું પણ સામે આવ્યું હતું. જેમાં નોંધનીય વાત એ હતી કે, રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા પોલીસ તંત્રમાં વિવિધ સંવર્ગની ૧૧ હજાર નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. જેથી યુવાનોને રોજગારીની સાથે સાથે રાજ્ય પોલીસ સેવામાં કામ કરવાની તક મળશે. આ સિવાય, જરૂરિયાતના સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપયોગી થતા હોમગાર્ડઝ જવાનોના હાલના ૪૫,૨૮૦ના સંખ્યાબળમાં ૪,૫૨૮નો વધારો કરી કુલ સંખ્યાબળ ૪૯,૮૦૮નું કરવાનું આયોજન છે. નાણામંત્રીએ જણાવ્યું કે, રાજયની જનતાની સુરક્ષા અને સલામતી માટે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવા રૂ.૧૧૧ કરોડની જોગવાઈ કરાઇ છે તો, મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે સેફ સિટી પ્રોજેકટ અંતર્ગત નિર્ભયા ફંડ માટે રૂ.૬૩ કરોડની જોગવાઈ કરાઇ છે. ઉપરાંત, રાજયના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે રાત – દિવસ ખડે પગે રહેતા પોલીસ કર્મીઓને રહેઠાણની ઉત્તમ સુવિધા પૂરી પાડવા આગામી ત્રણ વર્ષમાં કુલ ૧૩,૮૫૧ આવાસ બાંધવામાં આવશે. જે માટે રૂ.૨૮૮ કરોડની જોગવાઈ કરાઇ છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને સુદઢ અને કાર્યક્ષમ બનાવવા માટે રૂ.૮૦ કરોડની જોગવાઈ થઇ છે. વધુમાં, કન્વીકશન રેટ ઈમપ્રુવમેન્ટ પ્રોજેકટ દ્વારા કન્વીકશન રેટ વધારવા માટે રૂ.૨૩ કરોડની જોગવાઈ કરાઇ છે. એટલું જ નહી, રાજયના પાટનગર ગાંધીનગરની સુરક્ષા વ્યવસ્થા સુદઢ કરવા નવી પોલીસ કમિશ્નર કચેરીની રચના કરવામાં આવશે.