અમદાવાદ, તા.૨૬
નાણામંત્રીએ બજેટમાં જલ જીવન મિશન અંતર્ગત હર ઘર જલના સૂત્ર સાથે વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજયના બાકી રહેતા ૧૭ લાખ ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાનું આયોજન હાથ ધરાયું , જે માટે રૂ.૭૨૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્વતંત્ર પાણી પુરવઠા યોજનાવાળા ગામોને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવા આગામી ત્રણ વર્ષ માટે રૂ ૯૩૦૦ કરોડનું આયોજન કરાયું છે , જેના થકી ૪૬૩૫ ગામોની સવા કરોડ વસ્તીને લાભ થશે. ફળિયાઓને મુખ્ય ગામના સમ્પથી જોડવાનું, ફળિયા તેમજ ગામ ખાતે જરૂરિયાત મુજબની સંગ્રહ ક્ષમતા ઊભી કરવા આગામી બે વર્ષમાં રૂ ૧૦૦૦ કરોડના કામો હાથ ધરવામાં આવશે, જેના થકી આશરે ૮૦૦૦ ફળિયાઓ મુખ્ય ગામોથી જોડાશે. નાવડા, બોટાદ,ગઢડા, ચાવંડ, બુઘેલ બોરડા, ધરાઈ અને લાઠી બલ્ક પાઇપલાઇનના કુલ રૂ.૧૪૦૦ કરોડના કામો શરૂ કરવામાં આવશે. જે માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે. આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ પાણી પુરવઠાના કામો માટે રૂ.૮૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગાંધીનગર શહેરમાં ૨૪ કલાક પાણી વિતરણ કરવા રૂ.૨૪૦ કરોડની યોજનાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.