(સંવાદદાતા દ્વારા)
આણંદ,તા.૨૭
ખંભાત શહેરમાં ગત રવિવારે કટ્ટરવાદી તત્વો દ્વારા મચાવેલા આંતકનાં ચાર દિવસ બાદ પોલીસ છાવણી બનેલા ખંભાત શહેરમાં ધીમે ધીમે જનજીવન થાળે પડી રહ્યું છે, પરંતુ તોફાનગ્રસ્ત વિસ્તારોમાં પોલીસની ખોટી ધરપકડનાં ડરને લઈને લોકો પોતાનાં ઘરબાર છોડીને ચાલ્યા જતા અકબરપુર સહિતનાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભેંકાર ભાસી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા લોકો પોતાનાં ઘરે પરત ફરે અને પુનઃજન જીવન ધબકતું થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારે પોલીસે આજે વધુ ૧૦ આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.
ખંભાત શહેરમાં ગત રવિવારે કટ્ટરવાદી તત્વો દ્વારા પૂર્વ આયોજન સાથે અકબરપુર વિસ્તારમાં હુમલાઓ કરી લોકોનાં મકાનો તેમજ વાહનો સળગાવી મુકવાની ઘટના બાદ લોકો ભય અને દહેશતને લઈને તેમજ કેટલાક લોકો પોલીસની ખોટી ધરપકડથી લઈને પોતાનાં મકાનોને તાળા મારી સલામત સ્થળે હિજરત કરી ગયા છે, અકબરપુર વિસ્તારમાં છુટા છવાયા લોકો જોવા મળી રહ્યા છે, અહિયાં પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે અને આરએએફનાં જવાનો સતત શેરીઓમાં મહોલ્લામાં ફુટ પેટ્રોેલીંગ કરી રહ્યા છેે, તેમ છતાં હજુ લોકો ઘરોમાં પરત ફરતા દહેશત અનુભવી રહ્યા છે, ત્યારે રેન્જ આઈજીપી એ.કે. જાડેજાએ લોકો પોતાનાં ઘરોમાં પરત ફરે અને રાબેતા મુજબ પોતાનું જીવન શરુ કરે તે માટે અપીલ કરી છે, તેમજ પોલીસ દ્વારા સુરક્ષાની ખાત્રી આપવામાં આવી છે, જો કે આજે મોટા ભાગનાં બજારોમાં પૂર્વવત સ્થિતિ થાળે પડતી જોવા મળી હતી, પોલીસ દ્વારા શાળાઓ પણ શરુ થાય અને હવે થોડા દિવસોમાં જ બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે બાળકોનાં ભવિષ્યને ધ્યાનમાં લઈન લોકો હવે પોતાનાં ઘરોમાં પરત ફરે તે માટે અપીલ કરી છે.
જો કે અકબરપુર વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં હજુ પંચ કયાસ અને પીડીતોનાં નિવેદનો પોલીસ દ્વારા લેવામાં આવ્યા ના હોય લોકો હજુ પોતાનાં ઘરોની સાફ સફાઈ કરી રહ્યા નથી, ખાસ કરીને અકબરપુર વિસ્તારમાં જયાં લોકોનાં મકાનો સળગી ગયા હતા ત્યાં લોકોને પોતાનાં મકાનોની સાફસુફી કરતા હજુ એકાદ સપ્તાહ નિકળી જાય તેમ લાગી રહ્યું છે.
પોલીસ અધિક્ષક અજીત રાયજાની, અમદાવાદ ગ્રામ્યનાં પોલીસ અધિક્ષક રાજેન્દ્ર અસારી તેમજ પિયુષ પટેલ સહિત અધિકારીઓ દ્વારા શહેરમાં જનજીવન સતત પુુનઃધબકતું થાય અને લોકોમાં એક બીજા પ્રત્યે વિશ્વાસ અને ભાઈચારાની ભાવનાં પ્રસરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.