(એજન્સી) તા.ર૭
અમેરિકી સાંસદોની દિલ્હી હિંસા પર કડક પ્રતિક્રિયા બાદ હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના ઉમેદવાર બર્ની સેન્ડર્સએ ડોનાલ્ડ ટ્રમ્પ ના મૌન પર ફટકાર લગાવી છે. બર્ની સેન્ડર્સે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર માનવાધિકારોના મુદ્દા પર અસફળ હોવાનો આરોપ લગાવ્યો.અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દિલ્હી હિંસા પર આપવામાં આવેલ નિવેદન પર બર્ની સેન્ડર્સે કહ્યું કે તેમનો ભારત પ્રવાસ નેતૃત્વની અસફળતા દર્શાવે છે. દિલ્હીમાં હિંસાને લઇને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે કહ્યું હતું , જ્યાં સુધી કેટલાક લોકો પર થયેલા હુમલાની વાત છે તો મેં તેના વિશે સાંભળ્યું છે પરંતુ મેં પીએમ નરેન્દ્ર મોદી સાથે તેના પર ચર્ચા નથી કરી, એ ભારત પર છે.બુધવારે આ મુદ્દા પર બર્ની સેન્ડર્સે ટિ્વટ કર્યું, ૨૦ કરોડથી વધારે મુસ્લિમ ભારતને પોતાનું ઘર કહે છે. મુસ્લિમ વિરોધી ભીડ દ્વારા કરવામાં આવેલી હિંસામાં ઓછામાં ઓછા ૨૭ લોકો માર્યા ગયા અને તમામ લોકો ઘાયલ થયા. પરંતુ ટ્રમ્પ તેનો જવાબ ભારત પર છોડી દે છે. માનવાધિકારના મુદ્દા પર આ અમેરિકી નેતૃત્વની અસફળતા છે. આ પહેલા બુધવારે ઘણા અમેરિકી સાંસદોએ પણ દિલ્હીમાં થયેલી હિંસાને લઇને ચિંતા દર્શાવી હતી. ડેમોક્રેટિક પાર્ટીથી અમેરિકી સાંસદ માર્ક વૉર્નર અને જૉન કૉર્નિનએ એક સહયારા નિવેદનમાં કહ્યું હતું, અમે નવી દિલ્હીમાં હાલમાં થયેલી હિંસાને લઇને અલર્ટ છીએ. અમે અમારી લાંબા સમયની ભાગીદારીને આગળ વધારવા માટે આવા ચિંતાજનક વિષયો પર જાહેરમાં વાતચીત કરવાના પક્ષમાં છીએ. જ્યારે અમેરિકી સાંસદ જૈમી રસ્કિને કહ્યું કે તેઓ ધાર્મિક નફરતથી ફેલાવેલી હિંસાથી ભયભીત છે. તેઓએ કહ્યું કે ઉદાર લોકતાંત્રિક દેશોએ પોતાની ધાર્મિક સ્વતંત્રતા અને વિવિધતાની રક્ષા કરવી જોઇએ અને ભેદભાવ અને કટ્ટરતાથી બચવુ જોઇએ.ફોરેન અફેયર્સ કાઉન્સિલની અધ્યક્ષતા કરનારા રિચર્ડ એન હૈસે કહ્યું, ભારત એટલા માટે સફળતાના રસ્તે આગળ વધી રહ્યું છે કેમકે તેની વિશાળ મુસ્લિમ લઘુમતિ વસ્તી ખુદને ભારતીય માને છે. પંરતુ હવે તે ખતરામાં છે કેમકે સરકાર રાજકીય લાભ માટે ’ઓળખની રાજનીતિ’ કરવાની કોશિશ કરી રહી છે. આ પહેલા અમેરિકી માનવાધિકાર આયોગે પણ દિલ્હી હિંસાને લઇને ચિંતા દર્શાવી હતી જેનો ભારતના વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. અમેરિકી આયોગના આરોપોનો જવાબ આપતા વિદેશ મંત્રાલયે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ધાર્મિક મામલાની અમેરિકી એજન્સીએ જે ટિપ્પણી કરી છે, એ તથ્યોના હિસાબે પૂર્ણ રીતે ખોટી છે. તેનો હેતુ માત્ર મુદ્દાનું રાજનીતિકરણ કરવાનો છે. કાયદાકીય સંસ્થાઓ હિંસાને રોકવા અને સ્થિતિને સામાન્ય બનાવવામાં લાગેલી છે.