દિલ્હીમાં વિવાદાસ્પદ નાગરિકતા સુધારા કાયદા (સીએએ) અંગે રવિવારથી ઉત્તરપૂર્વ દિલ્હીમાં સર્જાયેલી હિંસાની તપાસ કરવા માટે બે ખાસ તપાસ ટીમ (સીટ)ની રચના કરવામાં આવી છે. દિલ્હીની હિંસામાં ૩૮ લોકો માર્યા ગયા છે અને ૨૫૦ લોકો ઘવાયા છે. બે નાયબ કમીશનરોના નેતૃત્વવાળી સીટની બંને ટીમ દિલ્હીની અવિરત હિંસાની તપાસ કરશે. લાકડીઓ અને બંદૂકોથી સુસજ્જ હિંસક ટોળા પોલીસના આદેશોનો અનાદર કરીને શેરીઓમાં ફરી રહ્યા હતા અને વિસ્તારના નિવાસીઓ પર હુમલા કર્યા હતા અને મિલકતોની તોડફોડ કરી હતી. દિલ્હીની હિંસાના સંદર્ભમાં ૪૮ એફઆઇઆર નોંધવામાં આવી છે અને ૧૩૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે હાલમાં પરિસ્થિતિ કાબૂ હેઠળ છે. દરમિયાન, દિલ્હી હાઇકોર્ટે શહેરમાં ચાલી રહેલા રમખાણોને ધ્યાનમાં રાખીને નફરતભર્યા ભાષણો આપવા બદલ ભાજપના નેતાઓ સામે એફઆઇઆર નોંધવાની માગણી કરતી સામાજિક કાર્યકર હર્ષ મંદરની અરજીની સુનાવણી ૧૩મી એપ્રિલ સુધી મોકૂફ રાખી છે. જ્યારે દિલ્હી હાઇકોર્ટના જજ જસ્ટિસ એસ મુરલીધરની બુધવારે રાત્રે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. દિલ્હી પોલીસની નિષ્ક્રિયતા બદલ હાઇકોર્ટ દ્રારા પોલીસનો ઉધડો લેવામાં આવ્યાના કલાકો બાદ જસ્ટિલ મુરલીધરની ટ્રાન્સફર કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસે જસ્ટિસ મુરલીધરની ટ્રાન્સફરના સરકારના પગલાની ટીકા કરી છે.