દિલ્હી હિંસા મુદ્દે સુનાવણી કરનારા હાઇકોર્ટના જજ એસ મુરલીધરની કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક બદલીકરવામાં આવતા વિપક્ષે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ બાબતને શરમજનક ગણાવી હતી જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષરાહુલ ગાંધીએ આ મુદ્દાને અમિત શાહના કેસની સુનાવણી કરનારા જસ્ટિસ લોયાને યાદ કર્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટિ્વટ કર્યું હતું કે, હું બહાદુર ન્યાયાધીશ લોયાને યાદ કરું છું, જેની બદલી કરવામાં નહોતી આવી. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ મુરલીધર દિલ્હી હિંસાના કેસમાં સુનાવણી કરી રહ્યા હતા અને ભારે હિંસા છતાં કોઇ પગલાં ન લેવા મામલે દિલ્હી પોલીસ તથા કેન્દ્ર સરકારના આકરી ઝાટકણી કાઢી હતી તથા ભાજપના ચાર નેતાઓ વિરૂદ્ધ નફરતભર્યા ભાષણો આપવા બદલ ફરિયાદ દાખલ કરવા તાકીદ કરી હતી.