(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
ઉત્તર પૂર્વ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ૩૮ લોકોનાં મોત અને ર૦૦થી વધુ ઘાયલ થયા પછી હિંસાનું તાંડવ હવે રોકાઈ ગયું છે. હિંસા દરમિયાન નફરતનો જેવો પવન ફૂંકાયો થોડાક સમય માટે લાગ્યું કે, આ પવન સંપૂર્ણ દિલ્હીને નષ્ટ કરી દેશે પરંતુ નફરતના આ પવનની વચ્ચે પણ લોકોએ પ્રેમના દીપકને સળગાવી રાખ્યો. હિંસાની ઘટનાઓની વચ્ચે ભાઈચારા અને પારસ્પારિક સૌહાર્દના પણ કેટલાક પ્રસંગો સામે આવ્યા. એવું કેટલાક સ્થળો પર થયું કે, મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં બે મંદિરોને નુકસાન પહોંચાડવા આવેલી ભીડની સામે મુસ્લિમો ઊભા થઈ ગયા તો ત્યાં હિન્દુ બહુમતી વિસ્તારોમાં હિન્દુઓએ મસ્જિદની સુરક્ષા કરી. પૂર્વ દિલ્હીના ચાંદબાગમાં પણ કેટલાક હિન્દુ અને મુસ્લિમ પરિવારોએ હિંસાની વચ્ચે પરસપર ભાઈચારાનું ઉદાહરણ રજૂ કર્યું. આ મુસ્લિમ બહુમતી વિસ્તાર છે. અહીં થોડાક જ હિન્દુ પરિવાર રહે છે. આ વિસ્તારોમાં ત્રણ મંદિર છે. હિંસા દરમિયાન અહીં મંદિરો પર હુમલો કરવા પહોંચેલા રમખાણકારોને મુસ્લિમોએ રોકી દીધા. એક પણ મંદિરને સહેજ પણ નુકસાન પહોંચાડવા દીધું નહીં. આ દરમિયાન મુસ્લિમ અને હિન્દુઓએ ભાઈચારો જાળવી રાખ્યો. આ મુસ્લિમ બહુમતી વિસ્તારના મુસ્લિમ હિન્દુ પરિવારોની સુરક્ષા માટે ઢાલ બનીને ઊભા થઈ ગયા. અહીં રહેતા રાજેન્દ્રકુમાર મિશ્રા જણાવે છે કે, આ વિસ્તારમાં ૭૦ ટકા મુસ્લિમ રહે છે અને ૩૦ ટકા અમે હિન્દુ સાથે છીએ. અમારી ગલીમાં ત્રણ મંદિર છે. ત્રણેય સંપૂર્ણપણે સુરક્ષિત છે. અમને અહીં રહેતા ૪૦ વર્ષ થઈ ગયા છે. જેવું અત્યારે થયું છે. એવું પહેલાં કયારેય થયું નથી. અહીં જે પણ રમખાણો થયા તે બાહ્ય લોકોએ કર્યા છે. રમખાણકારોમાં ચાંદબાગનું કોઈપણ સામેલ નથી. અમારા લોકોમાં તો એટલો ભાઈચારો છે કે અમે હોળી અને ઈદ જેવા તમામ તહેવાર પરસ્પર મળીને ઉજવીએ છીએ. હિંસા દરમિયાન અમારા મુસ્લિમ ભાઈઓએ અમને સુરક્ષિત રાખ્યા. અમારા મંદિરોની પણ સુરક્ષા કરી. આ ભાઈચારો આગળ પણ જળવાઈ રહેશે. જો કે, વિસ્તારના લોકો પહેલાંથી જ એલર્ટ હતા. આ જ કારણ છે કે, પથ્થર ખાઈને પણ મુસ્લિમ ભાઈઓએ મંદિરો પર હુમલો થવાથી રોકયો. રમખાણગ્રસ્ત ચાંદબાગમાં એક શ્રી દુર્ગા ફફીરી મંદિરને બચાવવા માટે હિન્દુ અને મુસ્લિમ એક થઈ ગયા. બન્ને સમુદાયોના લોકોએ મળીને એવી માનવ સાંકળ બનાવી જેને કોઈપણ બાહ્ય વ્યક્તિ પાર કરી શકી નહીં. મંદિરના પૂજારી ઓમ પ્રકાશે જણાવ્યું કે, સ્થાનિક લોકો જેમાં હિન્દુ અને મુસ્લિમ બન્ને સામેલ છે, સંપૂર્ણપણે એલર્ટ હતા. તેમણે આ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું કે, કોઈપણ બહારની વ્યક્તિ આવી ના શકે. ત્યાં સ્થાનિક યુવાન મોહમ્મદ આસિફ જણાવે છે કે, અમે માનવ સાંકળ રચી અને રમખાણકારોને આગળ વધતા અટકાવ્યા. રમખાણકારોના પથ્થરમારામાં અમારા અનેક સાથી ઘાયલ પણ થઈ ગયા. અમે તેમને એક ડગલું પણ આગળ વધવા દીધા નહીં. આ માત્ર એક મંદિર નથી પરંતુ અમારી પ્રતિષ્ઠા પણ છે. આ જ રીતે ખજૂરી ખાસમાં તો મંદિરને નુકસાન પહોંચાડવા આવેલા ભીડની સામે મુસ્લિમ મહિલાઓ ઊભી થઈ ગઈ. મુસ્લિમ મહિલાઓની હિંમત જોઈ સ્થાનિક પુરૂષ પણ આગળ આવ્યા અને દિલ્હી જ નહીં સંપૂર્ણ વિશ્વને બતાવ્યું કે, આ દિલ્હી તે નથી જેની હિંસક અને નફરત ભરેલી તસવીરો ગત દિવસોમાં જોવા મળી. ખજૂરી ખાસના લોકોએ બતાવ્યું કે, દિલ્હી શાંતિ, ભાઈચારો અને સૌહાર્દનું ઉદાહરણ છે. મોજપુરમાં પણ મુસ્લિમ સમુદાયના લોકો મંદિરોની આગળ સુરક્ષા કરતા જોવા મળ્યા. મોજપુરમાં સરખી વસ્તી છે. મુસ્લિમ બહુમતી વિસ્તારમાં કેટલાક મંદિર પણ છે. અહીંના મુસ્લિમોએ મંદિરોની સુરક્ષા માટે આખી રાત ચોકીદારી કરી. બુધવારે રેપિડ એકશન ફોર્સે ગલીઓમાં ચોકીદારી કરતાં લોકોને સુરક્ષા અંગે સુનિશ્ચિત કર્યા અને ઘરોમાં જવાની સલાહ આપી. જો કે, ત્રણ દિવસ પૂર્વ દિલ્હીમાં ચાલેલી હિંસામાં અનેક મસ્જિદોમાં તોડફોડના સમાચારો સામે આવ્યા છે. મુસ્તફા બાદના એક મજારને સંપૂર્ણપણે નુકસાન પહોંચાડવાના સમાચાર પણ છે પરંતુ એવા પણ સમાચાર છે કે, હિન્દુ બહુમતી વિસ્તારોમાં મસ્જિદની સુરક્ષા માટે લોકો આગળ આવ્યા. તેમણે રમખાણકારોને મસ્જિદોને નુકસાન પહોંચાડવાથી રોકયા. નંનદ નગરી પાસે અશોકનગરમાં રપ ફેબ્રુઆરીએ હિંસા દરમિયાન એક મસ્જિદને સળગાવવા આવેલા લોકોથી તેને બચાવવા માટે કેટલાક હિન્દુ ઊભા થઈ ગયા. આ મસ્જિદ આસપાસ રહેતા ૧૦ મુસ્લિમ પરિવારોના ઘરોથી અડીને છે. મંગળવારે હિંસક ભીડે મુસ્લિમોના ઘર અને મસ્જિદને આગ લગાવવાનો પ્રયાસ કર્યો. કેટલાક લોકોએ મસ્જિદના મિનારા પર ચઢીને ભગવા ધ્વજ પણ લહેરાવી દીધો. રમખાણકારો મસ્જિદને આગ લગાવવા ઈચ્છતા હતા. આ દરમિયાન ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડતાં હિન્દુઓએ આગળ આવી એવું કરતાં અટકાવ્યા. પોતાના મુસ્લિમ પાડોશીઓના ઘરમાં ચોકીદારી કરી જીવ પણ બચાવ્યા. રમખાણકારો બહારથી આવ્યા હતા અને તમામ ર૦થી રપ વર્ષના યુવાન હતા. જો કે, હિન્દુ અને મુસ્લિમ પરિવારોએ અહીં ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડતાં એક બીજાની સુરક્ષા કરી અને રમખાણકારોના ઉદ્દેશોને નિષ્ફળ કર્યા. નફરતભર્યા વાતાવરણમાં લોકોએ પરસ્પર ભાઈચારો રાખ્યો. આવા લોકો ઉદાહરણ બની ગયા છે. આવા લોકો જ બદલતા ભારતમાં આશાની કિરણ છે.