(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨
આણંદ જિલ્લાનાં ખંભાત શહેરમાં પીઠ બજાર નજીક રાણા ચકલા વિસ્તારમાં આવેલી એક દરગાહ દોઢ ફૂટ જેટલી પાછળ ખસી હોવાના અહેવાલને પગલે ઘટનાને લઈને અકીદતમંદોનાં ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતા, જેને લઈને પોલીસ દ્વારા પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યોે હતો.
મળતી વિગતો અનુસાર ખંભાત શહેરમાં પીઠ બજાર નજીક રાણા ચકલા વિસ્તારમાં આશરે ૫૦૦ વર્ષ જૂની આશા પીરની દરગાહ આવેલી છે, આ દરગાહની ચારેય તરફ લોંખડનો કઠેરો બનાવવામાં આવ્યો છે. તેમજ દરગાહ શરીફની અંદરનાં ભાગે પણ કબ્ર મુબારકની ચારેય તરફ સ્ટીલની રેલીંગ લગાવવામાં આવી છે, આજે સવારે દરગાહમાં ફાતેહા પઢવા માટે લોકો ગયા હતા ત્યારે કબ્ર મુબારકની ચારેય તરફ ફરવા માટેની જગ્યા હતી, પરંતુ બપોર બાદ કબ્ર મુબારક દોઢ ફૂટ જેટલી પાછળ ખસી ગઈ હતી જેનાં કારણે પાછળની તરફ હરવા ફરવા માટે દોઢથી બે ફૂટની જગ્યા હતી તે કબ્ર મુબારક પાછળ ખસવાનાં કારણે જગ્યા રહી ન હતી તેમજ કબ્ર મુબારકની ચારેય તરફ લગાવેલો સ્ટીલનો કઠેરો દરગાહનાં મુખ્ય કઠેરાની સાથે અડી ગયો હતો, દરગાહમાં બપોર બાદ કેટલાક લોકોએ કબ્ર મુબારકને પોતાની મૂળ જગ્યાએથી દોઢથી બે ફૂટ પાછળ ખસેલી જોતા આ વાત સમગ્ર વિસ્તારમાં પ્રસરી જતા અકિદતમંદોનાં ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતા.
આ અંગે આશાપીરની દરગાહનો વહીવટ કરતા સાગીરભાઈ મન્સુરીએ જણાવ્યું હતું કે, આજે બપોરે ઝોહરની નમાઝ બાદ તેઓ દરગાહ પર આવ્યા ત્યારે ક્બ્ર મુબારકની પાછળ આવેલી સ્ટીલની રેલીંગ દરગાહનાં મુખ્ય કઠેરાને અડી ગઈ હતી અને પાછળનાં ભાગેથી હરવા ફરવાની જગ્યા રહી ન હતી જેથી તેઓએ કબ્ર મુબારકની ચારેય તરફ જોવા છતાં કોઈ તુટ ફૂટ થયેલી ન હતી અને કબ્ર મુબારક ચમત્કારીક રીતે દોઢથી બે ફૂટ પાછળનાં ભાગે ખસી ગયેલી જણાઈ હતી,
સાગીરભાઈએ કહ્યું હતું કે આ દરગાહ હિંદુ મુસ્લિમ બન્ને કોમનાં લોકોમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છેે,દરગાહની આસપાસમાં પણ હિંદુ મુસ્લિમ બન્ને કોમનાં લોકોનો વસવાટ રહેલો છે, અને હિંદુ ધર્મનાં લોકો પણ અવાર નવાર દરગાહ પર આવી પોતાની મન્નતો પૂર્ણ કરતાા હોય છે. આ દરગાહ ખસવાની વાતો પ્રસરતા સમગ્ર શહેરમાંથી લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા અને લોકોએ સલાતો સલામ પેશ કરી હતી, તેમજ દરગાહ પર ફૂલોની ચાદરો ચઢાવવામાં આવી હતી, હાલમાં જ કોમી તોફાનો બાદ કબ્ર મુબારક પાછળ ખસવાની ઘટનાને કેટલાક લોકો એક રૂહાની સંકેત તરીકે જોઈ રહ્યા છે.