દિલ્હી રમખાણોની ચર્ચા કરવાની કોંગ્રેસની માંગ વચ્ચે સંસદ મોકૂફ
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
દિલ્હીની હિંસા મામલે અમિત શાહના રાજીનામાની માગણીના બેનરો સાથે વિપક્ષી પાર્ટીઓએ સંસદમાં હંગામો કરતા ભાજપ અને કોંગ્રેસના સાંસદો આમને-સામને આવી ગયા હતા અને એકબીજાને ધક્કે ચડાવ્યા હતા.વિરોધ પક્ષના સભ્યો કાળા બેનરો લઇને સામા પક્ષોની બેંચો તરફ ધસી ગયા હતા જેમાં અમિત શાહના રાજીનામાની માગ કરાઇ હતી જ્યારે સ્પીકર ઓમ બિરલાએ તેની નોંધ લીધી હતી અને બપોર સુધી સભા સ્થગિત કરી હતી ત્યારબાદ જ્યારે બપોરે બે વાગે ફરી સભા શરૂ થઇ ત્યારે વિપક્ષી સભ્યોએ વેલમાં ધસી આવીને સરકાર વિરૂદ્ધ નારેબાજી શરૂ કરી હતી. તે બાદ લોકસભાને ભારે હંગામા વચ્ચે ૪.૩૦ સુધી ત્રણ વખત સ્થગિત કરાઇ હતી. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સાસદોના વર્તનની ટીકા કરી હતી અને સામાન્ય ચર્ચા ચાલુ રાખવા આગ્રહ કર્યો હતો. પ્રહલાદ જોશીએ એવું પણ કહ્યું કે, આ એ લોકો છે જેમણે હિંસા ભડકાવી છે. આ એ લોકો છે જેમણે ૧૯૮૪માં ૩,૦૦૦ લોકોના જીવ લીધા અને તપાસ પણ ના કરી. પ્રાથમિકતા પહેલા શાંતિ સ્થાપવાની છે જ્યારે આ લોકો તંગદિલી ફેલાવે છે.
સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરૂ થઈ ગયો છે. આજે આખો દિવસ વિપક્ષી પાર્ટીઓએ દિલ્લી હિંસા માટે જોરદાર હંગામો કર્યો. હંગામાના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી પહેલા બપોરે ૨ વાગ્યા સુધી માટે સ્થગિત કરવામાં આવી. પરંતુ જેવી સંસદની કાર્યવાહી ફરીથી શરૂ થઈ, વિપક્ષે ફરીથી દિલ્લી હિંસા પર હંગામો કર્યો અને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી. દિલ્લી હિંસા માટે કોંગ્રેસ, ટીએમસી અને આમ આદમી પાર્ટીના સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યુ. હવે બંને સંસદની કાર્યવાહી કાલ સવારે ૧૧ વાગ્યા સુધી માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી દળોએ લોકસભામાં આ મુદ્દે ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્લી રમખાણો પર ગૃહમંત્રી અમિત શાહનુ રાજીનામુ માંગ્યુ હતુ. ઘણા અન્ય વિપક્ષી દળોએ પણ શાહને હિંસા મામલે ઘેર્યા હતા. તમને જણાવી દઈએ કે સંસદનુ બજેટ સત્રનો બીજો તબક્કો આજથઈ શરૂ થયો છે. વિપક્ષે સરકારને ઘેરવા માટે તગડી ઘેરાબંધી કરી રાખી છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને કે સુરેશે દિલ્લી હિંસા પર સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે. લોકસભામાં કોંગ્રેસ અને ભાજપના સાંસદો વચ્ચે ધક્કામુક્કી જોવા મળી હતી. આ ધક્કામૂક્કી ત્યારે થઈ, જ્યારે કોંગ્રેસના સાંસદો ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાના બેનર સાથે ટ્રેજરી બેંચ સુધી જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ સમયે ભાજપના સાંસદ રમેશ બિધૂડી અને કેટલાક ભાજપ સાંસદોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. લોકસભામાં હોબાળા વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે અનેક બિલ રજૂ કર્યા. જેમાં એક વિવાદથી વિશ્વાસ બિલ પણ છે. નાણાંમંત્રી જ્યારે બિલ રજૂ કરી રહ્યા હતા, ત્યારે વિપક્ષ તરફથી હોબાળો કરવામાં આવી રહ્યો હતો. આમ આદમી પાર્ટીએ દિલ્લી રમખાણોના વિરોધમાં સંસદ ભવનમાં ગાંધીજીની મૂર્તિ સામે વિરોધ કર્યો. આ પહેલા પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે દિલ્લી રમખાણો માટે સંસદમાં નિયમ ૨૬૭ હેઠળ સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી. દિલ્લી રમખાણો માટે ટીએમસીના સાંસદોએ આંખો પર પટ્ટી બાંધીને પ્રદર્શન કર્યુ. સાંસદ કાળી પટ્ટી બાંધીને વિરોધ કરી રહ્યા છે. સીપીએમ, સીપીઆઈ, ડીએમકે અને એનસીપીએ દિલ્લી રમખાણો પર લોકસસભાં સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી હતી.
દિલ્હી હિંસા મુદ્દે સંસદ બહાર વિપક્ષી પાર્ટીઓનું વિરોધ પ્રદર્શન
બજેટ સત્રના બીજા સત્રના પ્રથમ તબક્કાની ચર્ચાઓ પહેલા દિલ્હીના તોફાનો મુદ્દે ગાંધીજીની પ્રતિમા પાસે કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ અને આપે જુદા-જુદા દેખાવો કર્યા હતા. પોતાની આંખો પર કાળી પટ્ટી બાંધી, મોઢા પર આંગળી રાખીને તૃણમુલ કોંગ્રેસના સાંસદો મહુઆ મોઇત્રા, સુખેન્દુ શેખર રાય પણ પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, શશી થરૂર અને અન્યો દિલ્હી તોફાનોનો જવાબ માગતા પ્લેકાર્ડ અને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માગણી કરી રહ્યા હતા. બીજી તરફ આપના ચાર સાંસદો સંજય સિંહ, ભગવંત માન, એનડી ગુપ્તા તથા શુશીલ ગુપ્તાએ સંસદમાં ગાંધીની પ્રતિમા આગળ દિલ્હી હિંસા વિરૂદ્ધ પ્રદર્શનો કર્યા હતા. તેઓએ ભાજપ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. દિલ્હીમાં કોમી હિંસામાં આશરે ૪૩ લોકોનાં મોત થયા છે જ્યારે ૨૦૦થી વધુ ઘાયલ થયા છે. વિપક્ષી નેતાઓએ દિલ્હીના તોફાનોની ચર્ચા કરવા લોકસભા તથા રાજ્યસભામાં નોટિસો આપી છે. નોટિસો આપવામાં લોકસભામાં કોંગ્રેસના નેતા અધીરરંજન ચૌધરી, આરએસપીના એનકે પ્રેમચંદ્રન, મુસ્લિમ લીગના કુંજલિકુટ્ટી, સીપીએમના ઇલારમન કરીમ, સીપીઆઇના બિશ્નોય વિશ્વમનો સમાવેશ થાય છે.
સંસદ સે સડક તક : ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની કોંગ્રેસની તીવ્ર માગ
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
કોંગ્રેસે સોમવારે દિલ્હી હિંસા મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર બમણી તાકાતથી પ્રહાર કર્યા હતા જેમાં અત્યારસુધી ૪૭ લોકોના મોત થયા છે. સંસદમાં અમિત શાહના રાજીનામાની માગ કરતા કોંગ્રેસના સિનિયર નેતાઓ રાહુલ ગાંધી, લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી અને શશી થરૂરે ગાંધીજીની પ્રતિમા આગળ દેખાવો કર્યા હતા જ્યારે સંસદ બહાર યુવા કોંગ્રેસે શેરીઓ ગજવી હતી. કોંગ્રેસના કાર્યકરો જ્યારે અમિત શાહના નિવાસ તરફ જઇ રહ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી. વડાપ્રધાન મોદી પાસે જવાબ માગતા કોંગ્રેસના સાંસદોએ ‘‘આપણા ભારતને બચાવો’’, ‘‘વડાપ્રધાને જવાબ આપવો જ પડશે’’, ‘‘શાહે રાજીનામું આપવું જ જોઇએ’’ જેવી નારેબાજી કરી હતી. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તૈયારીઓમાં વ્યસ્ત રહેલા અમિત શાહ અંગે કહ્યું કે, જ્યારે દિલ્હી સળગી રહ્યું હતું ત્યારે આપણા ગૃહમંત્રી ટ્રમ્પને અમદાવાદમાં આવકારી રહ્યા હતા. મેજબાન બનવું સારૂં છે પરંતુ જ્યારે ભારતીયો જ્યારે મોતને ઘાટ ઉતારાઇ રહ્યા હતા ત્યારે આ તેમની પ્રાથમિકતા હોવી જોઇતી હતી. તેમણે પત્રકારોને સંસદ બહાર જણાવ્યું કે, આ હિંસામાં તપાસ થવી જોઇએ. વડાપ્રધાન ત્રણ દિવસ બાદ બોલે છે. ગૃહમંત્રી કાંઇ કહેતા નથી, અજીત ડોભાલને તેને જોવા મોકલી દેવાયા, આ સંપૂર્ણ નિષ્ફળતા છે. મીડિયા સાથે વાત કરતા થિરૂવનંતપુરમના સાંસદ શશીથરૂરે કહ્યું કે, દિલ્હીમાં શું થયું તે અંગે કોંગ્રેસ ચર્ચા કરવા માગે છે. કાયદો વ્યવસ્થા તેમના અંતર્ગત આવતી હોવાથી ગૃહમંત્રી જવાબદાર છે. તેમણે જવાબદારી પૂરી કરી ન હોવાથી તેમણે રાજીનામું આપી દેવું જોઇએ. ગયા અઠવાડિયે સોનિયા ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસનું પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિને આવેદન આપી રાજ ધર્મ નિભાવવા શીખ આપવા અપીલ કરી હતી. કોંગ્રેસ પ્રતિનિધિમંડળે દિલ્હીની હિંસા દરમિયાન ફરજ ચૂક બદલ અમિત શાહનું રાજીનામું પણ માગ્યું હતું. કોંગ્રેસ કાર્ય સમિતિએ આ પહેલા રાજ્ય તથા કેન્દ્ર સરકાર પાસે જવાબ માગતો ઠરાવ પસાર કર્યો હતો અને દિલ્હીના લોકોને નફરતની રાજનીતિને ફગાવવા આહવાન કર્યું હતું. ગયા અઠવાડિયે કોંગ્રેસના અધ્યક્ષે એઆઇસીસીના મહાસચિવ મુકુલ વાસનિક, દિલ્હીના ઇન્ચાર્જ શક્તિસિંહ ગોહિલ, હરિયાણાના કોંગ્રેસ પ્રમુખ કુમારી શેલજા, પૂર્વ સાંસદ તારિક અનવર અને મહિલા કોંગ્રેસ પ્રમુખ સુષ્મિતા દેવને દિલ્હીના તોફાનગ્રસ્ત વિસ્તારોમાં જઇને સ્થિતિ અંગે રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું હતું.
‘આ સરકાર આંધળી છે, પોલીસ તમાશો જોતી રહી’ : દિલ્હી હિંસાનો ટીએમસી સાંસદોએ આંખો પર કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો
સંસદમાં સોમવારે બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થયો ત્યારે બંને ગૃહોમાં દિલ્હી હિંસા અંગે ભારે હોબાળો થયો હતો. વિપક્ષી પાર્ટીઓએ રાજ્યસભામાં ભારે હંગામો કર્યો હતો ત્યારબાદ બંને સદનોની કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરી દેવાઇ હતી. તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના સાંસદોએ આંખો પર કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો. આ દરમિયાન મહુઆ મોઇત્રાએ કહ્યું કે, કાળી પટ્ટી બાંધી અમે દર્શવવા માગીએ છીએ કે, સરકાર આંધળી છે. પ્રથમ ત્રણ દિવસ સુધી તો પોલીસ તમાશો જ જોઇ રહી હતી. આંગળી મોઢા પર રાખી અમે દર્શાવ્યું છે કે, સરકાર જ્યારે જરૂર હોય ત્યારે બોલતી નથી. દિલ્હી હિંસા અંગે સંસદમાં ચર્ચા કરવા માટે વિપક્ષે અલગ-અલગ ૨૩ નોટિસ આપી છે. આ વિપક્ષી પાર્ટીઓમાં કોંગ્રેસ, શિવસેના, તૃણમુલ કોંગ્રેસ, એઆઇએમઆઇએમ અને ડીએમકે તથા ડાબેરી પક્ષો સામેલ છે. શશી થરૂરે કહ્યું કે, વડાપ્રધાન આ મુદ્દે સંસદમાં આવીને જવાબ આપે. અત્યારસુધી ૫૬ ઇંચની વાતો બહુ સાંભળી છે. આટલા લોકો દિલ્હીમાં માર્યા ગયા પણ પીએમ એક શબ્દ પણ બોલ્યા નથી. અમે જાણવા માગીએ છીએ કે, તેમની સરકારનો ઇરાદો શું છે? નોંધનીય છે કે, દિલ્હીની હિંસામાં મોતનો આંકડો હવે ૪૭ પર પહોંચી ગયો છે.