Site icon Gujarat Today

ખંભાતના કોમી તોફાન કેસમાં પ૦૦ના ટોળા વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૩
આણંદ જિલ્લાાં ખંભાત શહેરમાં ગત તા. ૨૩ માર્ચના રોજ થયેલી કોમી જૂથ અથડામણના બનાવમાં પીઠ બજાર કુંભારવાડામાં પણ ૪૦૦થી ૫૦૦ માણસોના ટોળાએ પથ્થરમારો કરી તોડફોડ કરી આગ ચાંપી હતી. જે બનાવમાં પોલીસે વધુ એક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ખંભાત સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ એસ.એ. ઝાલા પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને પીઠ બજાર કુંભારવાડામાં રહેતા યોગેશભાઈ મોહન રાવળે કહ્યું હતું. તા. ૨૩/૨/૨૦૨૦ના રોજ બપોરના સુમારે ખંભાત પીઠ બજાર વિસ્તારમાં બનેલા કોમી તોફાનમાં ૪૦૦થી ૫૦૦ માણસોના ટોળાએ કિશોર કનુભાઈ રાવળ, પરેશ અરૂણભાઈ રાવળ, કમલેશ કનુભાઈ રાવળ, કનુ કુબેરદાસ રાવળના મકાનો પર હુમલો કરી લાકડા દંડા, પાઈપો, ઘાતક હથિયારો, તલવાર અને ધારીયા સાથે આવી મકાન ઉપર પથ્થરમારો કરી તેઓના મકાનોને જ્વલનશીલ પ્રવાહી રેડી સળગાવી દીધા હતા તેમજ ઠાકોર પ્રજાપતિને તીક્ષ્ણ હથીયારથી માથામાં ઈજાઓ કરી હતી. જે બનાવ અંગે પીએસઆઈ એસ. એ. ઝાલાની ફરિયાદના આધારે ખંભાત સીટી પોલીસે ૪૦૦ થી ૫૦૦ માણસોના ટોળા વિરુદ્ધ રાયોટીંગ ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખંભાતમાં ગત ૨૩મીએ ફાટી નીકળેલા તોફાનોમાં કેટલાક વિસ્તારોમાં કારમાંથી પેટ્રોલ કાઢીને લોકોએ પેટ્રોલ બોમ્બ બનાવીને જેનો ઉપયોગ કર્યો હોવાનો પણ કેટલાક આરોપીઓએ કબુલાત કરી છે. તેના આધારે પોલીસે આરોપીઓ સામે વધુ એક ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

Exit mobile version