વડોદરા, તા.૩
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં નવી ગટર લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં વાપરવામાં આવી રહેલી પાઈપો હલકી કક્ષાની હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસે આ કામગીરી તાત્કાલિક બંધ કરાવવા માગણી કરી છે.
વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા શૈલેષ અમીને જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા ૧૦ માસ પૂર્વે કારેલીબાગ જીવનભારતી હાઈસ્કૂલ ચાર રસ્તાથી બહુચરાજી મંદિર સુધીનો નવો રોડ બનાવવામાં આવ્યો હતો. ૧૦ માસ બાદ આ રોડને તોડીને નવી ગટર લાઈન નાખવામાં આવી રહી છે. પાલિકાના વિવિધ વિભાગોના સંકલનના અભાવે પ્રજાના નાણાનો દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
શૈલેષ અમીને વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, રોડ ઉપર ર૦ ફૂટ ઊંડા ખાડા ખોદીને નવી ગટર લાઈન નાખવામાં આવી રહી છે અને જે ગટર લાઈન માટે પાઈપોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે પાઈપો હલકી કક્ષાની છે. કોન્ટ્રાક્ટરો પોતાના મનસુબી પ્રમાણે કામ કરી રહ્યા છે. પાલિકાનો એક પણ ઈજનેર કામગીરી સમયે હાજર હોતો નથી.
ટેન્ડરની શરતો મુજબ સિમેન્ટની પાઈપો આઈ.એસ.આઈ. માર્કાવાળી હોવી જોઈએ. પરંતુ પાઈપો ઉપર કોઈપણ જગ્યાએ આઈ.એસ.આઈ. માર્કો નથી. આ નવી ગટર લાઈન નાખવાની કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટર દ્વારા પાઈપોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે પાઈપોની તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે, તેમ તેમણે જણાવ્યું હતું.