દેશમાં કોરોના વાયરસના નવા કેસો આવવા લાગ્યા છે ત્યારે લોકોમાં ભારે દહેશતનો માહોલ છે. નવા કેસોની જાણકારી બાદ પીએમ મોદીએ પણ લોકોને અપીલ કરી છે કે, તેઓ પરેશાન ના થાય. મંગળવારે પીએમ મોદીએ પોતાના ટિ્વટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, કોરોના વાયરસ સામે તૈયારીઓ અંગે વ્યાપક સમીક્ષા કરાઇ છે. રાજ્યોની સરકારો તથા કેન્દ્રીય મંત્રાલયો આ અંગે સાથે મળીને કામ કરી રહ્યા છે જેથી કોરોના વાયરસ પીડિતોની યોગ્ય સારવાર પૂરી પાડી શકાય. આ સાથે જ તેમણે કહ્યું કે, આપણે બધાએ કામ કરવાની જરૂર છે. તેમણે ટિ્વટ દ્વારા જાણકારી આપી કે, કેવી રીતે કોરોના વાયરસના પ્રકોપથી બચી શકાય છે. બીજી તરફ દિલ્હીમાં પણ આને લઇને રાજ્ય સરકાર એલર્ટ મોડ પર આવી ગઇ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના વાયરસને પહોંચી વળવા માટે સરકારની તૈયારીઓ અંગે મંગળવારે ત્રણ વાગે સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને અન્ય ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાયરસના એક કેસની પુષ્ટી થયા બાદ આ ઇમરજન્સી બેઠક બોલાવાઇ હતી.