(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩
રાજ્યમાં નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ના નિર્ણયનો અમલ કરાવવા રાજ્ય સરકાર મક્કમ છે, ત્યારે આ કાયદાના વિરોધમાં ખંભાત, શાહપુર, કાલુપુર, દરિયાપુર જેવા વિસ્તારોમાં હમે ચાહિએ આઝાદીના નારા લગાવીને તોફાનો કરાવવાની કોશિશ કરાવનારા વિરૂદ્ધ પોલીસ સખ્ત કાર્યવાહી કરશે, જેવા નિવેદનો ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે જોશભેર જણાવ્યું હતું કે, રાજકીય લોકોના ભડકાઉ ભાષણો તથા ઉશ્કેરણીથી જ લોકો લડવા મજબૂર બને છે. આથી આવા ભડકાઉ ભાષણો કરનારાઓ ઉપર સખ્ત કાર્યવાહી કરવા વર્તમાન સત્રમાં સરકાર કાયદો નહીં બનાવે તો કોર્ટ સમક્ષ પીઆઈએલ દાખલ કરવામાં આવશે. તેવી ગ્યાસુદ્દીન શેખે ચીમકી ઉચ્ચારી હતી. શહેરી વિસ્તારમાં રેલીઓ નીકળી છે અને આઝાદીના નારા લગાવી અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન થાય છે. તેવા ગૃહ રાજ્યમંત્રીના આક્ષેપોનો સણસણતો જવાબ આપતા ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, જવાબદાર મંત્રી તરીકે આપે આવા પાયાવિહોણા આક્ષેપો ન કરવા જોઈએ. જો કોઈ અશાંતિ ફેલાઈ હોય તો તેના વિરૂદ્ધ કોઈ એફઆઈઆર નોંધાયેલ છે કે કેમ ? કોઈ ધરપકડ થયેલ છે કે કેમ ? ગાંધીચિંધ્યા માર્ગે અહિંસક રીતે અસહમતી દર્શાવવાનો સૌનો બંધારણીય અધિકાર છે, ત્યારે સીએએ, એનઆરસી અને એનપીઆરનો વિરોધ કરીએ છીએ અને કરતા રહીશું અને ગાંધીચિંધ્યા માર્ગે ચાલતા અહિંસક આંદોલનને અમારૂં સમર્થન છે અને રહેશે. આપણે સૌ રાજકીય લોકો જ બદમાશ છીએ. હિંદુ-મુસ્લિમોને લડવામાં કોઈ રસ નથી. આપણે આપણા વાણી વર્તન અને ભાષણોથી જ લોકોને લડવા માટે મજબૂર કરીએ છીએ. કોમી તોફાનો બાદ બંને કોમના નિર્દોષ લોકોની ધરપકડ કરવાને બદલે રાજકીય કાવતરાખોરોને ઝબ્બે કરવા જોઈએ. આપણે રાજકીય લોકોએ પરસ્પર પ્રેમ અને ભાઈચારો વધે તેવા વાણી વર્તન રાખવા જોઈએ. વૈમનસ્ય ફેલાવતા ભડકાઉ ભાષણો કરનારાઓ ઉપર સખ્ત કાર્યવાહી કરવા ત્વરિત કાયદો બનાવવો જોઈએ તેમજ કોમી તોફાનોમાં ઈજા પામનાર અને માલ-મિલકતને નુકસાન થયું હોય તેવા કિસ્સાઓમાં તાકિદે રાહત અને સહાય પૂરી પાડવા તેમણે માગણી કરી હતી.