(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૪
મહેસાણા નગરપાલિકા પ્રમુખ સામે પસાર થયેલા અવિશ્વાસ પ્રસ્તાવ સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. હાલના પ્રમુખ ઘનશ્યામ સોલંકીને દૂર કરવાના નિર્ણય સામે તત્કાલ મનાઈહુકમ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે જારી કરેલા વ્હીપના વિરુદ્ધ મતદાન થયું હોવાની આ અરજીમાં રજૂઆત થઈ છે. હાઇકોર્ટે મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસર અને ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝને નોટિસ ઈશ્યુ કરી છે. પક્ષકારોને સાંભળ્યા બાદ મનાઈહુકમ આપવો કે નહીં તે અંગે ૯ માર્ચના રોજ હાઇકોર્ટ નિર્ણય લેશે. અત્રે ઉલ્લેખનીય છેકે અવિશ્વાસ દરખાસ્ત મૂકનાર કોંગ્રેસના ૧૧ બળવાખોરોને ભાજપના ૧૮ સભ્યોએ ટેકો આપી છેલ્લી ઘડીએ ખેલ પાડ્યો હતો. ૨૯ વિરૂદ્ધ ૧૨ મતે દરખાસ્ત પસાર થઈ હતી. ભાજપના બે સભ્યો ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસના પ્રભારીની હાજરીમાં જ વ્હીપનો અનાદર થયો હતો.
ઉપપ્રમુખ પુરીબેન પટેલ અને કારોબારી ચેરમેન નવીન પટેલે વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી સામે દાખલ અવિશ્વાસ દરખાસ્તને લઇ સોમવારે મળેલી સાધારણ સભામાં ભાજપે છેલ્લી ઘડીએ કોંગ્રેસના બળવાખોરોને ટેકો આપી ખેલ પાડી દીધો હતો. ભાજપમાં ભળેલા કોંગ્રેસના ચાર સહિત ભાજપના ૧૮ તેમજ કોંગ્રેસના ૧૧ મળી કુલ ૨૯ કોર્પોરેટરોએ બહુમતીથી આ અવિશ્વાસ પ્રસ્તાવ પાસ કરી દેતાં ઘનશ્યામ સોલંકીને પ્રમુખપદ ગુમાવવાનો વારો આવ્યો હતો. પ્રમુખની તરફેણમાં ૧૨ કોર્પોરેટર રહ્યા હતા. ભાજપના વિષ્ણુ પટેલ અને ભાજપમાં ભળેલા કોંગી સભ્ય સુનિલ ભીલ ગેરહાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે આપેલા વ્હીપની બળવાખોરોએ પ્રદેશ મહામંત્રીની હાજરીમાં જ ઐસી તૈસી કરી નાખતાં પક્ષમાં સોપો પડી ગયો હતો.
બંને જૂથના કોર્પોરેટરો સવારે ૧૧થી ૧૨ સુધીમાં કેમ્પમાંથી સીધા સભામાં પહોંચ્યા હતા. સભામાં ૪૩ પૈકી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ચાર સહિત ભાજપના ૧૮ તેમજ કોંગ્રેસના ૨૩ મળી ૪૧ કોર્પોરેટરો હાજર હતા. સભામાં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીએ ઘનશ્યામ સોલંકીને પ્રમુખપદે ચાલુ રાખવા અને તેની વિરુદ્ધ મતદાન કરનાર સામે પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી અંગે કોંગી કોર્પોરેટરો માટે આપેલો વ્હીપ જયદીપ ડાભીએ વાંચી સંભળાવ્યો હતો. જ્યારે ભાજપ પક્ષે ઘનશ્યામ સોલંકી વિરુદ્ધ અવિશ્વાસમાં મત આપવાનો વ્હીપ વિપક્ષ નેતા કિર્તિભાઇ પટેલે વાંચી સંભળાવ્યો હતો.