વેરાવળ, તા.૪
વેરાવળ તાલુકાના રામપરા ગામની સીમમાં આવેલ વાડીના મકાનના ઓરડામાં સુતેલા નિંદ્રાધીન પતિ-પત્નીની કરપીણ હત્યાની ઘટનના પગલે પંથકમાં ચકચાર મચી છે. મંગળવારની રાત્રી દરમ્યાન અજાણ્યા હત્યારાઓએ કુહાડીના ઘા મારી આધેડ દંપતીની નિર્મમ હત્યા નિપજાવી હોવાના પગલે પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા તપાસ આદરી છે. આ બેવડી હત્યા લૂંટના ઇરાદે નહીં પણ કોઇ અન્ય કારણોસર થઇ રહેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે.
વેરાવળથી ૩૫ કિમી દૂર આવેલા તાલુકાના રામપરા ગામની સીમમાં આવેલ વાડીએ મકાનમાં મૂળ નજીકના જ બીજ ગામના કોળી રામાભાઈ સિદીભાઈ ભાદરકા (ઉ.વ.૬૦) અને તેમના પત્ની લક્ષ્મીબેન (ઉ.વ.૫૦) સાથે છેલ્લા સાત વર્ષથી રહેતા હતા. દરમ્યાન આજે બુઘવારે સવારે ઘઉંમાં કામ કરતા મજૂરો વાડીએ આવેલ ત્યારે રામભાઇ નજરે ન પડતા મજૂરો મકાનમાં જોવા ગયેલ ત્યારે રામભાઇ અને લક્ષ્મીબેનની લોહીથી લથબથ લાશ જોઈ હતપ્રભ બની ગયા હતા. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતાં એએસપી અમિત વસાવા, પ્રભાસ પાટણ પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. જો કે, મોડેથી એફએસએલ સહિતની ટીમએ ઘટનાસ્થળનું ઝીણવટભર્યું પરીક્ષણ હાથ ધર્યું હતું.