રાજકોટ,તા.૪
રાજકોટ : ચિરાગ ગાંધી (૯૬) અને પાર્થિવ પટેલે (૯૩) લડાયક ઇનિંગ્સ રમી હોવા છતા રણજી ટ્રોફીની સેમિ ફાઇનલમાં ગુજરાતનો સૌરાષ્ટ્ર સામે ૯૨ રને પરાજય થયો છે. સૌરાષ્ટ્રએ આપેલા ૩૨૭ રનના પડકાર સામે ગુજરાતની ટીમ ૨૩૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે સૌરાષ્ટ્રની ટીમે રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સૌરાષ્ટ્ર ફાઇનલમાં ૯ માર્ચે બંગાળ સામે રમશે. સૌરાષ્ટ્રની ટીમે ગત વર્ષે પણ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે તે સમયે ફાઇનલમાં વિદર્ભ સામે પરાજય થયો હતો.સૌરાષ્ટ્રની જીતનો હીરો ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ રહ્યો હતો. તેણે મેચમાં ૧૦ વિકેટ ઝડપી હતી. ઉનડકટે પ્રથમ ઇનિંગ્સમાં ૩ અને બીજી ઇનિંગ્સમાં ૭ વિકેટ ઝડપી હતી.
સેમિ ફાઇનલમાં સૌરાષ્ટ્રએ પ્રથમ ઇનિંગ્સમાં ૩૦૪ રન બનાવ્યા હતા. શેલ્ડન જેક્સને ૧૦૩ રનની ઇનિગ્સ રમી હતી. જેના જવાબમાં ગુજરાતની ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૨૫૨ રન બનાવ્યા હતા. બીજી ઇનિંગ્સમાં અર્પિત વસાવડા (૧૩૯)ની સદીની મદદથી સૌરાષ્ટ્રએ ૨૭૪ રન બનાવ્યા હતા. જેથી ગુજરાતને જીત માટે ૩૨૭ રનનો પડકાર મળ્યો હતો. જેની સામે ગુજરાતની ટીમ ૨૩૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ગુજરાતે એકસમયે ૬૩ રનમાં ૫ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પાર્થિવ પટેલ (૯૩) અને ચિરાગ ગાંધી (૯૬)એ ૧૫૮ રનની ભાગીદારી બનાવી મેચમાં વાપસી કરી હતી. જોકે બંનેના આઉટ થયા પછી ટીમનો પરાજય થયો હતો. સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે ૫૬ રનમાં ૭ વિકેટ ઝડપી હતી. સૌરાષ્ટ્ર ૯ માર્ચના રોજ રણજીની ફાઇનલમાં બંગાળ સામે ટકરાશે.