(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૪
ગત રવિવાર ૧ માર્ચંનાં રોજ પોતાની કાર લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા નિકળેલા નવાપુરા સ્થિત વણકરવાસમાં રહેતો પરિવાર છેલ્લાં ૭૨ કલાકથી રહસ્યમય રીતે ગુમ થઇ જતાં તેમના પરિવાર ચિંતાતુર બન્યું છે. સોમવારે મોડીસાંજે પોતાની કાર લઇ પરત વડોદરા આવવા નિકળેલ પરિવાર અને તેમની કારનો હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી. છેલ્લે તેમની કાર ડભોઇ નજીક સીસીટીવી કેમેરામાં જોવા મળી હતી. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.
નવાપુરા ખાતે વણકરવાસમાં રહેતા કલ્પેશભાઇ પરમાર (ઉ.વ.૩૦) ગત ૧ માર્ચનાં રોજ સવારે ૧૦ વાગ્યે પોતાના પત્ની તૃપ્તીબેન, માતા – ઉષાબેન અને બે બાળકો અર્થવ અને નિયતીને લઇને પોતાની કારમાં કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે નિકળ્યા હતા. મોડી સાંજ સુધી કલ્પેશભાઇ અને તેમનો પરિવાર ઘરે પરત નહીં ફરતા તેમના પરિવારની ચિંતામાં વધારો થયો હતો. કલ્પેશભાઇના દાદા ભાઇલાલભાઇએ વારંવાર ફોન કરવા છતાં કલ્પેશનો ફોન બંધ બતાવતો હતો. સંબંધીઓ તેમજ મિત્રોને ત્યાં તપાસ કરવા છતાં કલ્પેશ અને તેના પરિવારનો કોઇ પત્તો લાગ્યો ન હતો. આ અંગે છેવટે કેવડિયા પહોંચી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ૭૨ કલાક વિતી ગયા હોવા છતાં કલ્પેશ અને તેના પરિવારનો હજુ કોઇ પત્તો લાગ્યો નથી.
કલ્પેશના દાદા ભાઇલાલભાઇએ જણાવ્યું હતું કે, કલ્પેશના પિતાનું અવસાન થયા બાદ હું જ તેના પિતાની જવાબદારી પુરી પાડતો હતો. કલ્પેશ કોમ્પ્યુટરનો વ્યવસાય કરતો હતો અને આર્થિક રીતે સુખી હતો. મુંબઇ ફરવા ગયા બાદ આજે તે પરિવારને લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયો હતો. મારો પૌત્ર અને પરિવાર વહેલા પરત આવી જશે તેવો મને વિશ્વાસ છે તેમ જણાવી ભાઇલાલભાઇ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. કેવડિયા પોલીસે ગુમ થયેલા કલ્પેશ તથા પરિવારની શોધખોળ હાથ ધરી છે. જો કે, છેલ્લે કલ્પેશ પરમારની કાર ડભોઇ નજીક સીસીટીવી કેમેરામાં જોવા મળી હતી.