(એજન્સી) તા.૪
દેશની રાજધાની દિલ્હીમાં ગત દિવસો દરમિયાન થયેલા હિંસક નરસંહારમાં અત્યાર સુધી ૪૭ લોકોનાં મોત થયા છે. જે અંગે સંપૂર્ણ દેશમાં રોષનું વાતાવરણ છે. અહીં સુધી તમામ રાજનૈતિક પાર્ટીઓએ આરોપ પ્રત્યારોપ પણ શરૂ કરી દીધો છે. ત્યાં હવે આ મુદ્દે પોતાનું મૌન તોડતાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, નોર્થ ઈસ્ટ દિલ્હીના રમખાણોનો ઈશારો નેતાઓ તરફથી આપવામાં આવ્યો હતો અને કેન્દ્ર સરકાર ઈચ્છતી તો તેને રોકી શકતી હતી. સોમવારે મીડિયા સાથે વાત કરતાં હામીદ અન્સારીએ આ વાત કહી. તેમણે કેન્દ્ર સરકારને દિલ્હીમાં થયેલા રમખાણો માટે જવાબદાર ગણાવી અને જણાવ્યું કે, સરકાર આ દરમિયાન ઉંઘતી રહી. પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, દિલ્હીમાં હિંસક હત્યાઓ પહેલાં પણ થઈ પરંતુ પહેલાં હત્યાઓ બહારના આક્રમણકારી કરતાં કરાવતા હતા. જેમ કે, નાદીર શાહ, અહમદ શાહ અબ્દાલીએ આવીને દિલ્હીવાળાઓને માર્યા. હવે બીજા પ્રકારની હત્યા થઈ છે. ૧૯૪૭માં જે થયું સૌથી ભયાનક હતું પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે બધા કહી રહ્યા છે કે, સરકારે રોકવાનો પ્રયાસ કર્યો નહીં. જણાવી દઈએ કે, સીએએના વિરોધ અને સમર્થન અંગે શરૂ થયેલા હોબાળાએ અત્યાર સુધી ૪૭ લોકોના જીવ છીનવી લીધા છે ત્યાં લગભગ રપ૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. હજારો વાહન ફૂંકી દેવામાં આવ્યા અનેક ઘર બળ્યા અને દુકાનો લૂંટી લેવામાં આવી. હવે પોલીસે હિંસા પર નિયંત્રણ મેળવી લીધું છે અને દિલ્હીમાં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાની કવાયતને પણ ઝડપી કરી દીધી છે.