(એજન્સી) નવી દિલ્હી, તા.૪
પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્ર પર આરોપ મૂકયો છે કે, દિલ્હીના રમખાણો તરફથી લોકોનું ધ્યાન હટાવવા તે કોરોના વાયરસનો ભય ફેલાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો કોરોના-કોરોના વાયરસ અંગે બુમરાડ મચાવી રહ્યા છે. જો કે, તે જાનલેવા વાયરસ છે, પરંતુ તેનો ભય પેદા કરવો જોઈએ નહીં. કેટલાક ટીવી ચેનલો તેનો વધુ પડતો પ્રચાર-પ્રસાર કરી દિલ્હીના બનાવોને દબાવવા પ્રયાસ કરે છે, જ્યારે ફેલાય ત્યારે રિપોર્ટ કરો. આપણે તે ફેલાય તેવું ઈચ્છતા નથી, પરંતુ યાદ રાખો જે લોકો દિલ્હીની હિંસામાં મોતને ભેટ્યા તેમનું કોરોનાથી મોત થયું નથી. તેમની હત્યા કરાઈ છે. બુનિયાદપુરમાં એક રેલીને સંબોધતા મમતા બેનરજીએ કહ્યું કે, જો દિલ્હીમાં ઘાતક વાયરસથી મોત થયા હોત તો માની લેતા, પરંતુ તેમને નિર્દયરીતે મારી નખાયા હતા. ભાજપે આ મુદ્દે માફી પણ માંગી નથી. તેમને અહંકાર નડે છે. તેઓ કહે છે કે, ગોળી મારો, પરંતુ હું તેમને ચેતવણી આપું છું કે, બંગાળ-યુપી સરખા નથી. ભારતમાં ર૮ કોરોના વાયરસના દર્દીઓની પુષ્ટિ થઈ છે. કોરોનાથી વિશ્વમાં ૩ હજાર લોકો મોતને ભેટ્યા છે. ૯૦ હજાર પીડિત છે.