જૂનાગઢ, તા.૬
ભેંસાણના ઢોળવા ગામે ખેતી માટે ભાગમાં જમીન રાખી હતી ત્યારે પાડોશી સાથે નજીવી બાબતે ઝઘડો થયા બાદ પાડોશીએ હુમલો કરતાં આધેડ ખેડૂતનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું જેની પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ભેંસાણના ઢોળવા ગામના કોળી નાનજીભાઈ તેરવાડિયાએ ગામના પટેલ ખેડૂત વિરજી લોકડિયાનું ખેતર ભાગમાં ખેડવા માટે રાખ્યું હતું. તેમની બાજુમાં જ તેમના પરિવારના નરશી લોકડિયાનું ખેતર આવેલ છે. ત્યારે પાડોશી નરશી લોકડિયા સાથે નાનજીભાઈને કૂવામાં પાણી કાઢવા બાબતે ઝઘડો થતાં નરશીએ નાનજીભાઈના માથામાં પાવડાના ઘા મારતા નાનજીભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતકને ભેંસાણ હોસ્પિટલે ખસેડ્યા બાદ પીએમ કરાયું હતું. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂદ્ધધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.