જામનગર, તા.૬
ધ્રોલના ત્રિકોણબાગ પાસે આજે બપોરે એકાદ વાગ્યે એક ગરાસિયા યુવાન પર મોટરમાં ધસી આવેલા કેટલાક શખ્સોએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પૂર્વ પોલીસકર્મીના પુત્ર એવા આ યુવાનને ગંભીર ઈજા થતાં તેઓને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે જ્યાં તેઓની હાલત અત્યંત નાજુક ગણાવાઈ હતી તે પછી તે યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. આ બંને શખ્સો મોરબીના રાજપરા ગામેથી ઝડપાયા છે.
ધ્રોલમાં રહેતા દિવ્યરાજસિંહ નામના ગરાસિયા યુવાન આજે બપોરે એકાદ વાગ્યે ધ્રોલના ત્રિકોણબાગ પાસે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીના પેટ્રોલ પંપ પાસે હતા. ત્યારે અચાનક ત્યાં ધસી આવેલી એક મોટરમાંથી કેટલાક શખ્સોએ તેઓ પર ધડાધડ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.ઓચિંતો જ આવો બનાવ બનતા સતત ચહેલ પહેલવાળા આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. હુમલાખોરો દ્વારા કરાયેલા ફાયરિંગમાં વછૂટેલી પાંચ ગોળી પૈકીની ત્રણ ગોળી દિવ્યરાજસિંહના ગળા તથા છાતીના ભાગમાં ઘૂસી ગઈ હતી જ્યારે બે ગોળી હવામાં વિલીન થઈ ગઈ હતી. ગોળી વાગતાં ઢળી પડેલા દિવ્યરાજસિંહને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી અને પોલીસને વાકેફ કરાઈ હતી. જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાવવામાં આવેલા ઈજાગ્રસ્તની હાલત અત્યંત નાજુક ગણાવાઈ રહી હતી તે પછી ઈજાગ્રસ્તનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે હુમલાખોરોને પકડી પાડવા માટે ચારે તરફ નાકાબંધી કરાવી છે.આ બનાવ અંગે મોરબી પોલીસને જાણ થતા મોરબી એ-ડિવિઝન પોલીસની ટીમે રાજપર નજીકથી બંને શખ્શોને દબોચી લેવામાં સફળતા મળી હતી. ઝડપાયેલ આરોપી મુસ્તાક રફીક પઠાણ અને અનિરુદ્ધસિંહ સોઢા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે બે આરોપીને ઝડપી લેવાયાની જાણ થતા જામનગર પોલીસ ટીમ દોડી આવી હતી અને બંને આરોપીને ઝડપી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હોય જે જામનગર પોલીસને સોપતા જામનગર પોલીસ આરોપીનો કબ્જો મેળવી જામનગર જવા રવાના થઇ હતી.