(એજન્સી) નવી દિલ્હી, તા.૬
દિલ્હીમાં કોરોના વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે કે આ નવો સંક્રમિત દર્દી ચીન અથવા ઇટલીથી ભારત પહોંચ્યો નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તેની પુષ્ટિ કરતાં શુક્રવારે એક નવો કોરોના વાયરસનો કેસ સામે આવ્યો છે. દિલ્હીમાં રહેનાર દર્દી તાજેતરમાં જ થાઇલેન્ડ અને મલેશિયાથી ફરીને પાછો આવ્યો છે. દર્દીના સેમ્પલ પોઝિટિવ મળ્યા બાદ તેને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.
દેશમાં સતત કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હવે કોરોના વાયરસથી પીડિત ઇટાલીના પ્રવાસીની પત્નીનો રિપોર્ટ પણ કોરોના વાયરસથી પોઝિટિવ આવ્યો છે. આ સાથે દેશમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૩૧ પર પહોંચી ગઈ છે.
જયપુરમાં પ્રારંભિક તબક્કામાં પ્રવાસીની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ પુણેની લેબમાં તેનો સેમ્પલ મોકરવામાં આવ્યા હતા અને પુણેની લેબમાંથી પણ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો આજે કોરોના વાયરસનો ભારતમાં બીજો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. અત્યાર સુધી કેરલથી ત્રણ કેસ આવ્યા હતા, જે સ્વસ્થ થઈ ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં એક કેસ આવ્યો, જેના કારણે તેના ઓળખિતા ૬ લોકો પણ ઝપેટમાં આવી ગયા હતા. તેલંગણામાં એક કેસ સામે આવ્યો છે. ઇટાલીથી આપેલા કુલ ૧૮ લોકો પણ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત છે, જેમાં એક ભારતીય અને ૧૭ ઇટાલીના નાગરિક છે. એક મામલો ગુરૂગ્રામમાં સામે આવ્યો છે. આ સિવાય ગાઝિયાબાદથી એક મામલો સામે આવ્યો છે. તેવામાં અત્યાર સુધી ભારતમાં ૩૧ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. બીજી તરફ ભારતીય સેનાએ શુક્રવારે એક નિવેદન બહાર પાડી કહ્યું હતું કે, કોરોના વાયરસના પગલે તે દેશમાં એક ચોક્કસ જગ્યાએ ૧પ૦૦ લોકોની ક્ષમતા ધરાવતી સંસર્ગ નિષેધ સુવિધા ઊભી કરશે.