મુંબઈ, તા.૭
ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વસીમ જાફરે શનિવારે ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે જેનાથી બે દાયકા સુધી ચાલેલી તેની શાનદાર કારકિર્દીનો પણ અંત થઈ ગયો છે. ભારત તરફથી ૪ર વર્ષીય વસીમ જાફરે ૩૧ ટેસ્ટ મેચોમાં ૩૪.૧૧ની સરેરાશથી ૧૯૪૪ રન બનાવ્યા જેમાં પાંચ સદી અને ૧૧ અર્ધ સદી સામેલ છે. તેનો હાઈએસ્ટ સ્કોર ર૧ર રન છે. જાફરે પોતાના નિવેદનમાં કહ્યું કે, સૌથી પહેલાં હું અલ્લાહનો આભાર વ્યક્ત કરવા માંગું છું. જેણે મને આ શાનદાર રમતને રમવા માટે પ્રતિભા આપી. હું પોતાના પરિવારજનો, માતા-પિતા અને ભાઈઓનો આભાર વ્યક્ત કરું છું. જેમણે મને પ્રોત્સાહિત કર્યા. હું પોતાના પત્નીનો આભાર વ્યક્ત કરવા માંગું છું જેણે મારું ઘર વસાવ્યું અને મારા અને બાળકો માટે ઈંગ્લેન્ડનું આરામદાયક જીવન છોડી દીધું. કોચ અને પસંદગીકારોનો પણ આભાર વ્યક્ત કરું છું. જાફર અમુક તેવા ભારતીય બેટ્સમેનમાં સામેલ છે જેમણે વેસ્ટ ઈન્ડિઝમાં બેવડી સદી ફટકારી છે. તેણે વિન્ડિઝ સામે સેન્ટ લુસિયામાં ર૧ર રન બનાવ્યા હતા. જાફરે ર૦૦૬માં દ.આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું. તેણે પોતાની પ્રથમ વન-ડે મેચ ર૦૦૬માં આ જ હરીફ સામે રમી હતી. વસીમ જાફર રણજી ટ્રોફીમાં ૧ર હજાર રન બનાવનાર પ્રથમ બેટ્સમેન છે તે રણજી ટ્રોફીમાં ૧પ૦ મેચ રમનાર પ્રથમ બેટ્સમેન છે. જાફરે પોતાનું પ્રથમ કક્ષાનું ક્રિકેટ ૧૯૯૬-૯૭માં શરૂ કર્યું હતું તથા ર૬૦ મેચોમાં પ૦.૬૭ની સરેરાશથી ૧૯૪૧૦ રન બનાવ્યા એમાં પ૭ સદી અને ૯૧ અર્ધ સદી સામેલ છે.